Saturday, December 6, 2025
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘ વિરામ: કલ્યાણપુર પંથકમાં વધુ ત્રણ ઈંચ વરસાદ નોંધાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘ વિરામ: કલ્યાણપુર પંથકમાં વધુ ત્રણ ઈંચ વરસાદ નોંધાયો

ખંભાળિયા પંથકમાં ઉઘાડ નીકળતા રાહત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા દિવસો દરમિયાન અતિવૃષ્ટિની સંભાવના સાથે વરસેલા ધોધમાર વરસાદ વચ્ચે ગઈકાલે બપોરથી જિલ્લામાં મહદ અંશે મેઘ વિરામ રહ્યો હતો. જ્યારે કલ્યાણપુર તાલુકામાં વધુ 3 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ વરસાદ કલ્યાણપુર તાલુકામાં વરસ્યો છે. ગઈકાલે પણ સવારથી મેઘરાજાએ ભારે ઝાપટા રૂપે વધુ 70 મિલીમીટર પાણી વરસાવી દીધું હતું. આ સાથે કલ્યાણપુર તાલુકામાં કુલ 48 ઈંચથી વધુ 1,208 મીલીમીટર સાથે મોસમનો કુલ વરસાદ 146.07 ટકા વરસી ગયો છે. જોકે તાલુકામાં ગતરાત્રીના 20 મી.મી. વરસાદ સિવાય મેઘ વિરામ રહ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ગઈકાલે વરાપ સાથે નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો. ખંભાળિયા તાલુકાના મોસમનો કુલ વરસાદ સાડા 44 ઈંચ (1115 મિલીમીટર) સાથે સરેરાશ 142.58 ટકા થયો છે. છેલ્લા દિવસોના મુશળધાર વરસાદના પગલે અનેક ખેતરો તરબતર બન્યા છે. પરંતુ ગઈકાલે સવારથી વરસાદ બંધ રહેતા અને આજે પણ સવારથી સ્વચ્છ આકાશ સાથે સૂર્યનારાયણના દર્શન થતાં ખાસ કરીને ધરતીપુત્રોએ હાશકારો અનુભવ્યો છે.

ભાણવડ તાલુકામાં વધુ 6 મિલીમીટર સાથે કુલ 36 ઈંચ (902 મિલીમીટર) મળી કુલ 128.31 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે દ્વારકા તાલુકામાં પણ ગઈકાલે દિવસ દરમિયાન વધુ એક ઈંચ (25 મી.મી.) પાણી વરસી ગયું હતું. દ્વારકા તાલુકામાં કુલ 32 ઈંચ સાથે ટકાવારીમાં સૌથી વધુ દ્વારકા તાલુકાનો 158.38 ટકા વરસાદ નોંધાયો છે.

આમ, જિલ્લામાં સરેરાશ 142.84 ટકા વરસાદથી તમામ જળાશયો ચિક્કાર ભરાઈ ગયા છે. જિલ્લાના મોટા 15 ડેમ પૈકી 11 ડેમ સંપૂર્ણ ભરાઇ ચૂક્યા છે. જ્યારે સિંધણી ડેમ 93 ટકા, મીણસાર (વાનાવડ) 41 ટકા અને ગઢકી ડેમ 45 ટકા ભરાયેલા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular