જામજોધપુરમાં ગાયત્રીનગર વિસ્તારમાં આવેલાં માતાજીના મંદિરમાં તસ્કરોએ ત્રાટકીને ગ્રીલનું તાળુ તોડી દાનપેટીમાંથી રોકડ અને સોનાના દાગીના સહિત રૂા.25500ની માલમતા ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ જામજોધપુર ગામના ગાયત્રીનગર વિસ્તારના આવેલાં ગાયત્રી માતાજીના મંદિરમાં સોમવારે રાત્રીના સમયે અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને મંદિરના કપાઉન્ડની દિવાલ ટપીને અંદર પ્રવેશ કરી લોખંડની ગ્રીલનું તાળુ કોઇ તિક્ષ્ણ હથિયાર વડે તોડી મંદિરમાં રહેલી દાનપેટીમાંથી રૂા.500ની રોકડ અને ત્રણેય માતાજીની મૂર્તિને પહેરાવેલ પિળીધાતુના રૂા.4500ની કિંમતના ત્રણ હાર તથા રૂા.20,000ની કિંમતની સોનાની છ ગ્રામની સર અને ત્રણ નથળી તથા કૃષ્ણ ભગવાનના બાળ સ્વરૂપને પહેરાવેલી રૂા.500ની કિંમતની પિતળની ધાતુની મૂર્તિ સહિત રૂા.25,500ની માલમતા ચોરી કરી ગયા હતાં.
આ બનાવ અંગે , મંગળવારે સવારે પુજારી ચંદુભાઇ લાબડીયા દ્વારા જાણ કરતા ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.સવસેટા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ચોરીનો ભેદ ઉકેલવા તપાસના ચક્ર ગતિમાન કર્યા હતાં.