સુરતમાંથી નશાનો ઓનલાઇન કારોબાર ઝડપાયો હતો. અડાજણના નક્ષત્ર એપાર્ટમેન્ટમાં રહેતાં અને વેસુના વીઆઇપી રોડ પર ટાઇમ્સ કોર્નરમાં વોટ અ બર્ગરના નામની ફ્રેન્ચાઇઝી ધરાવતાં આર્કિટેક કૃણાલ ગોળવાળા અને તેની પીએચડી થયેલી પત્ની દીક્ષિતાને એનસીબીની ટીમ દિલ્હી લઇ ગઇ છે.આ દંપતી દ્વારા ઓનલાઇન ચરસનું વેચાણ કરવામાં આવતું હતું. તેની પાસેથી એસએસડીના 2 86 પેપર સ્લોટ, બે કિલો હાઇબ્રીડ ગાંજો અને 95 ગ્રામ ચરસ અને 363 નશીલા પદાર્થની ટેબ્લેટ મળી આવી હતી.
વેસુના વીઆઇપી રોડ પર વોટ અબર્ગરના નામની ફ્રેન્ચાઇઝી ધરાવતાં શખસ દ્વારા ઓનલાઇન ડ્રગ્સનો કારોબાર ચાલતો હોવાની ચોક્કસ બાતમીના આધારે દિલ્હી એનસીબી અને સુરત એસઓજીની ટીમે દરોડો પાડયો હતો. આ દરોડામાં માદક પદાર્થ મળી આવ્યો હતો. પુછપરછ અને તપાસમાં આર્કિટક કૃણાલ ગોળવાળા દિલ્હીથી ઓનલાઇન એલએસડી સહિતના નશાક્રક પદાર્થ મંગાવીને સુરત અને તેની આસપાસના વિસ્તારમાં ઓનલાઇન વેચાણ કરતો હતો તેમાં તેની પત્ની દીક્ષિતા પણ સંડોવાયેલી હતી. કોરોનાના કારણે ધંધામાં મંદી આવતા છેલ્લા ચાર માસથી ડ્રગ્સના વેચાણના ધંધે ચડ્યાનું ખુલ્યુ હતુ.