જર્મનીમાં થયેલી ચૂંટણીમાં સત્તાધારી એન્જેલા મર્કેલની પાર્ટીનો પરાજય થયો છે. એક પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતાં બે મુખ્ય વિપક્ષો ગઠબંધન કરીને સરકાર બનાવશે. સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીને સૌથી વધુ 25.7 ટકા મતો મળતાં ઓલાફ શોલ્ઝ નવા ચાન્સલર બને તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
જર્મનીમાં 16 વર્ષથી ચાન્સલર રહેલાં એન્જેલા મર્કેલની પાર્ટીને ચૂંટણીમાં મોટો ફટકો પડયો છે. મર્કેલના યુનિયન બ્લોકને પૂરતા મતો મળ્યા ન હતા. સૌથી મોટા પક્ષ તરીકે સોશિયલ ડેમોક્રેટિક ઉભરી આવ્યો હતો. એસડીપીના ઉમેદવાર ઓલાફ શોલ્ઝે કહ્યું હતું કે હવે એન્જેલા મર્કેલના પક્ષે વિપક્ષમાં બેસવાનો સમય આવી ગયો છે. જર્મનીને નવી સરકાર મળશે.
એસડીપીને સૌથી વધુ 25.7 ટકા મતો મળ્યા હતા. તે પછી બીજા નંબરે એન્જેલાના સેન્ટ્રલ ડેમોક્રેટિક યુનિયનને 24.1 ટકા મતો મળ્યા હતા. અંતર નજીવું હતું, પરંતુ સોશિયલ ડેમોક્રેટિકે અન્ય વિપક્ષો સાથે ગઠબંધન કર્યું હોવાથી સત્તાપક્ષે વિપક્ષમાં બેસવું પડશે. ગ્રીન પાર્ટીને 19 ટકા મતો મળ્યા હતા. ગ્રીન પાર્ટીના સમર્થનથી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીની સરકાર બનશે એવું મનાઈ રહ્યું છે.
એન્જેલા મર્કેલે ચૂંટણી પહેલાં જ જાહેરાત કરી હતી કે આ તેમની છેલ્લી ટર્મ છે. એ પછીથી તેઓ ચાન્સલર રહેશે નહીં. ચૂંટણીમાં એન્જેલા પક્ષની હારનું એક કારણ એ પણ ગણાવાઈ રહ્યું છે. એન્જેલા મર્કેલ છેલ્લાં 16 વર્ષથી જર્મનીના ચાન્સલર હતા. એન્જેલાના શાસનકાળમાં જર્મનીએ ખૂબ જ ઝડપથી યુરોપમાં આર્થિક વિકાસ કરનારા દેશ તરીકેની ઓળખ મેળવી હતી. એન્જેલાના શાસનકાળમાં જર્મનીને યુરોપનું ગ્રોથ એન્જિન કહેવાતું હતું.
સોશિયલ ડેમોક્રેટ્સ 2005 પછી પહેલી વખત સત્તામાં આવ્યા હતા. જોકે, ચાન્સલર કોણ બનશે તે અંગે હજુ સુધી કોઈ જ સ્પષ્ટતા થઈ ન હતી. ગઠબંધનના અન્ય પક્ષો પણ દાવો કરે એવી શક્યતા નકારી શકાતી નથી. આગામી દિવસોમાં ચાન્સલર પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.