વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે અમેરિકાની મુલાકાતે છે. શુક્રવારે મોદી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેનને મળશે. આ મોદી અને બાઈડેનની આમને-સામને પ્રથમ મુલાકાત હશે. આ સાથે જ મોદી ક્વોડ દેશોની ઈન પર્સન મીટિંગમાં પણ સામેલ થશે. મોદી-બાઈડેનની મીટિંગનો એજન્ડા શું હશે? ક્વોડ શું છે? તેમાં કયા દેશો સામેલ છે? આ વખતની સમિટનો એજન્ડા શું હશે? ક્વોડ દેશોને ચીનથી શું મુશ્કેલી છે?
બાઈડેન રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રથમવાર વડાપ્રધાન મોદીને મળશે. બંને ઓછામાં ઓછી ત્રણ વખત વર્ચ્યુઅલ મીટિંગ કરી ચૂક્યા છે. માર્ચમાં ક્વોડ સમિટ દરમિયાન, એપ્રિલમાં યોજાયેલી ક્લાઈમેટ ચેન્જ સમિટ અને જૂનમાં યોજાયેલી જી-7 સમિટમાં બંને નેતાઓએ વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. નવેમ્બર 2020માં જ્યારે બાઈડેન રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા, ત્યારે પણ બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. તેના પછી ફેબ્રુઆરી અને એપ્રિલમાં પણ બંને નેતાઓએ ફોન પર વાત કરી હતી.
વ્હાઈટ હાઉસમાં યોજાનારા મોદી-બાઈડેનની પ્રથમ મુલાકાત દરમિયાન ડિફેન્સ, પારસ્પરિક સંબંધો, ભારતીયોના વિઝાનો મુદ્દો અને ટ્રેડ પર ચર્ચા થવાની સંભાવના છે. કૂટનીતિ અને સંરક્ષણ બંનેના હિસાબે આ સૌથી મહત્વની મીટિંગ હશે.
આ મીટિંગ દરમિયાન આતંકવાદની સાથે અફઘાનિસ્તાન મામલે પણ વાત થશે. આ જાણકારી મોદી અમેરિકાની મુલાકાતે નીકળ્યા એ પહેલા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગલાએ મંગળવારે આપી હતી. આ દરમિયાન ભારત અફઘાનિસ્તાનને લઈને પોતાની ચિંતાઓ પણ બાઈડેન શાસન સમક્ષ વ્યક્ત કરશે. બાઈડેન સાથે મુલાકાત પછી મોદી ક્વોડ સમિટમાં સામેલ થશે.
અમેરિકાની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે રાત્રે અમેરિકાના વાઈસ પ્રેસિડનટ કમલા હેરિસ સાથે મુલાકાત કરી. આ પહેલો પ્રસંગ હતો જ્યારે કોઈ ભારતીય મૂળની અમેરિકી ઉપરાષ્ટ્રપતિએ ભારતીય વડાપ્રધાન સાથે મુલાકાત કરી. આ મીટિંગ દરમિયાન કમલા હેરિસે આતંકવાદ અને તેમાં પાકિસ્તાનની ભૂમિકાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેઓએ કહ્યું કે પાકિસ્તાનમાં અનેક આતંકી સંગઠનો છે. હેરિસે પાકિસ્તાનને સલાહ આપી છે કે તેઓ આતંકી સંગઠનો પર કાર્યવાહી કરે કે જેથી અમેરિકા અને ભારતની સુરક્ષા સામે ખતરો ઊભો ન થાય. કમલા હેરિસે સરહદ પારના આતંકવાદના મુદ્દે મોદીના નિવેદન પર પણ સહમતિ વ્યક્ત કરી છે. સાથે જ તે વાત પર પણ એકમત થયા કે ભારત દશકાઓથી આતંકવાદનો શિકાર બની રહ્યું છે અને હવે આતંકી સંગઠનોને પાકિસ્તાનથી મળી રહેલી મદદ પર અંકુશ લગાવવા અને તેના કડક વલણ અપનાવવાની જરૂરિયાત છે.
તો વડાપ્રધાન મોદીએ કહ્યું કે મારું અને મારા ડેલિગેશનનું સ્વાગત કરવા માટે ધન્યવાદ. થોડાં મહિના પહેલાં વાતચીતની તક મળી હતી. તે એ સમય હતો જ્યારે ભારત બીજી લહેરનો સામનો કરી રહ્યું હતું. તમે સહાયતા માટે જે સાથ આપ્યો તેના માટે તમારો આભાર વ્યક્ત કરૂં છું.


