વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં ખુદ ચૂંટણી ન જીતનારા કોંગ્રેસના સિનિયર નેતાઓની હવે વિદાય લગભગ નક્કી મનાઈ રહી છે. આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસમાંય ભાજપવાળી થવાના એંધાણ છે. હાઈકમાન્ડે ભાજપ સાથે સાંઠગાંઠ ધરાવતાં અને માત્ર હોદા ભોગવી પક્ષની ઘોર ખોદનારા સિનિયર નેતાઓને ઘર ભેગા કરી યુવાઓના હાથમાં ગુજરાત કોંગ્રેસનું સુકાન આપવા મન બનાવ્યું છે. સુત્રોના મતે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતા પદે નવા ચહેરાને સ્થાન મળી શકે છે. કોરોના કાળ બાદ ભાજપ સરકાર પ્રત્યે લોકોનો રોષ ભભૂકયો હતો. ભાજપે આંતરિક સર્વે કરાવતાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં નુકસાન થવાનો અંદાજ મળ્યો હતો, જેના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરો સંદેશો આપી આખી રૂપાણી સરકાર જ બદલી નાંખી હતી. વિધાનસભાની પેટાચૂંટણીમાં હાર મળતાં જ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું ધરી દીધું હતું. આ ઉપરાંત કોરોનામાં પ્રદેશ પ્રભારી રાજીવ સાતવનું નિધન થયું હતું, પણ હજુય આ ત્રણેય હોદ્દા ખાલી રહ્યાં છે, જેના કારણે કાર્યકરો મુંઝવણ અનુભવી રહ્યાં છે. ગુજરાતમાં અત્યારે વિપક્ષ જેવું કંઈ છે, જ નહીં તેવો જનતા અહેસાસ કરી રહી છે.
ધંધાદારી સાંઠગાંઠને લીધે કોંગ્રેસી નેતાઓ ભાજપ સાથે રાજકીય લડાઈ લડી શકે તેમ નથી. આ વાત જગજાહેર થઈ છે. એટલું જ નહીં, હાઈકમાન્ડ પણ હવે આ વાતથી વાકેફ થયું છે. આગામી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ માટે અસ્તિત્વનો સવાલ બની રહેશે, કોંગ્રેસે કરો યા મરો સાથે ચૂંટણી લડવી પડશે. આ જોતાં હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસમાં ધરમુળમાં ફેરફાર કરે તેવી શકયતા છે. બીજી તરફ એઆઈસીસીના ખાજનચી પવન બંસલે ગુજરાત એઆઈસીસી ભવન ખાતે સંસ્થાકીય મુલાકાત લીધી હતી. સુત્રોના અનુસાર કોંગ્રેસ સમર્થિત કામગીરીનું આવલોકન કર્યુ હતું તેમજ ગુજરાતની વર્તમાન પરિસ્થિતિનો ચિતાર પણ મેળવ્યો હતો. જોકે રાજકીય સ્તરની કોઈ વાતચીત કરવામાં આવી નહી હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.
ધંધાદારી સાંઠગાંઠના કારણે ગુજરાત કોંગ્રેસના નેતાઓ ભાજપા સામે લડી શકતા નથી !
કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરીને હવે ખબર પડી : ગુજરાત કોંગ્રેસમાં, ભાજપાની માફક, મોટાં ઓપરેશન થશે ?