જામનગરના લીમડાલાઈન વિસ્તારમાં આવેલી વર્ષો જૂની જામનગર પાંજરાપોળ દ્વારા શહેરના જીવદયા પ્રેમીઓ તથા ભાવિકજનોને પિતૃશ્રાધ્ધની રકમ ગૌ માતાની સંભાળ માટે પાંજરાપોળમાં દાનરૂપે અર્પણ કરવા આવાહન કર્યું છે.
હાલમાં પિતૃતર્પણના ભાદરવા મહિનાના શ્રાધ્ધના દિવસો ચાલી રહ્યા છે. મોટાભાગના હિન્દુ ભાવિકો પોતાના પરિવારના સ્વર્ગસ્થ વડીલોની પૂણ્ય સ્મૃતિમાં આ દિવસોમાં દાન તથા સેવાકાર્યો કરતા હોય છે.
જામનગર પાંજરાપોળ બહોળી સંખ્યામાં વૃધ્ધ, અંધ, અપંગ ગાયોને કાયમી ધોરણે ભોજન – પાલન કરતી રહે છે. આથી તેના ટ્રસ્ટી મંડળે જાહેર અનુરોધ કર્યો છે કે, ભારતમાં ગાયને માતા ગણી પૂજન કરવામાં આવે છે, ત્યારે શ્રાધ્ધના દિવસોમાં ગાય – ગૌવંશ જેવા અબોલ પશુઓના ભોજન સહિતના જતન માટે આર્થિક સહયોગ આપવો પણ પૂણ્ય કાર્ય જ ગણાય.
પ્રત્યેક ગાયનો રોજિંદા ઘાસચારાનો ખર્ચ રૂા. એકસો જેટલો કરાતો હોવાથી જીવદયાપ્રેમીઓ શ્રાધ્ધના દિવસોમાં 11 ગાયોના 1,100 લેખે ગાયોને લીલો ઘાસચારો આપી શકે તેટલો ધર્મલાભ ઉઠાવે. તેમજ પિતૃઓની કાયમી તિથિ તરીકે તિથિદાન કે ફોટાદાન જમા કરાવીને પણ તેનો લાભ લઈ શકે છે.
ઓનલાઇન દાન આપવા માટે પાંજરાપોળના સેન્ટ્રલ બેંકના એકાઉન્ટમાં પણ રકમ જમા કરાવી શકે છે. આ માટે લીમડા લાઈન સ્થિત સંસ્થાનો તેમજ ફોન નં. 0288- 2540990 કે મોબાઈલ નંબર 81540 72076 નો સંપર્ક સાધવા જણાવાયું છે.