વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકાની મુલાકાત માટે રવાના થયા છે. નક્કી થયેલા કાર્યક્રમ પ્રમાણે વડાપ્રધાન મોદી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનને 24 સપ્ટેમ્બરે મળવાના છે. બંને વચ્ચે આ મુલાકાત વોશિંગ્ટનમાં થવાની છે. જાન્યુઆરી 2021માં જો બાઈડને અમેરિકાની સત્તા સંભાળ્યા પછી પહેલીવાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત થવાની છે. વડાપ્રધાન મોદી આજે રાજે અમેરિકાના પાટનગર વોશિંગ્ટન પહોંચી જશે. પીએમ મોદીની અમેરિકાની મુલાકાત વિશે વ્હાઈટ હાઉસથી નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ બાઈડન દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં વ્હાઈટ હાઉસે કહ્યું છે કે અમે પીએમ મોદીનું સ્વાગત કરવા માટે તૈયાર છીએ.
અમેરિકા મુલાકાતે જતા પહેલાં નિવેદન જાહેર કરીને તેમણે કહ્યું હતું કે આ મુલાકાત અમેરિકા સાથે સ્ટ્રેટેજી પાર્ટનરશિપ મજબૂત કરવાનો મોકો છે. મોદીએ કહ્યું હતું કે હું અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના આમંત્રણથી 22-25 સપ્ટેમ્બર 2021 સુધી અમેરિકાની મુલાકાતે છું. આ દરમિયાન રાષ્ટ્રપતિ બાઈડન સાથે વૈશ્વિક રણનીતિની ભાગીદારી અને બંને દેશોના હિત માટે ગ્લોબલ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. હું ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળવા માટે પણ ઉત્સુક છું. હેરિસ સાથે વિજ્ઞાન અને ટેક્નોલોજીના સેક્ટરમાં સહયોગ વિશે ચર્ચા કરવામાં આવશે.
વડાપ્રધાને કહ્યું હતું, હું રાષ્ટ્રપતિ બાઈડન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગા સાથે વ્યક્તિગત રીતે ક્વાડ લીડર્સ શિખર સંમેલનમાં ભાગ લઈશ. આ સંમેલનમાં આ વર્ષે માર્ચમાં વર્ચ્યુઅલ શિખર સંમેલનનાં પરિણામો આવશે. એ સાથે જ ભારત-પ્રશાંત વિસ્તાર માટે અમારા ભાગીદારીના દૃષ્ટિકોણના આધારે ભવિષ્યમાં લેનારાં પગલાં વિશે પણ વાતચીત કરવામાં આવશે.
વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરિસન અને જાપાનના વડાપ્રધાન સુગા સાથે પણ મુલાકાત થશે. આ દરમિયાન બંને દેશ સાથે મજબૂત દ્વિ-પક્ષિય સંબંધો વિશે ચર્ચા કરવામાં આવશે અને વિસ્તારના તથા વૈશ્વિક મુદ્દાઓ પર સહયોગ વિશે વાતચીત કરવામાં આવશે.
પ્રધાનમંત્રી મોદી અમેરિકા જવા રવાના
પ્રધાનમંત્રીના સ્વાગત માટે વ્હાઇટ હાઉસ તૈયાર : અફઘાનિસ્તાન સહિતના વૈશ્ર્વિક મુદાઓ પર બાઇડન સાથે ચર્ચા