ભાજપના રાષ્ટ્રિય મહામંત્રી તરૂણ ચુગ સોમવારે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. તેઓ 22 તારીખ સુધી ગુજરાત રોકાશે અને ગુજરાતમાં આગામી ચૂંટણીઓને લઇને પક્ષપ્રમુખ સી.આર. પાટિલ સહિત સંગઠનના પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરશે. આ ઉપરાંત રાજયની નવી સરકારના આગામી લક્ષ્યાંકો અંગે પણ પક્ષના નેતાઓ સાથે ચર્ચા-વિચારણા કરી વિધાનસભા ચૂંટણીની આગોતરી વ્યૂહરચના તૈયાર કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે, આગામી વિધાનસભાની તૈયારીઓના ભાગ રૂપે જ આખી ગુજરાત સરકારનો નવો ચહેરો રજૂ કરવામાં આવ્યો છે. ત્યારે આ નવી વ્યૂહરચનાને કઇ રીતે સફળ કરવી તે અંગે પણ ચર્ચા-વિચારણા કરશે. તેમની આ મુલાકાતને રાજકીય રીતે ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે.