કાશ્મીરમાં નિષ્ફળતા બાદ લશ્કર- એ-તોઇબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકી સંગઠનો જમ્મુમાં આતંક ફેલાવવા પ્રયાસ કરી રહ્યા છે. રાજૌરી અને પૂંચના સરહદી જિલ્લાઓમાં એલઓસી પરથી તાલીમબદ્ધ આતંકીઓને ધકેલાઇ રહ્યા છે. ટે22 ફન્ડિંગ માટે ડ્રગ્સના ધંધાને ઉત્તેજન અપાઇ રહ્યું છે. તાજેતરમાં જ પોલીસે ડ્રગ્સનો ધંધો કરતી ટોળકીના ઠેકાણા પરથી 2 કરોડ રૃ. જપ્ત કર્યા હતા. રાજોરીના થાનામંડી અને સુંદરની વિસ્તારોમાં એક પછી એક અથડામણોએ સુરક્ષા અધિકારીઓને એલર્ટ કરી દીધા છે. સૈન્ય નિષ્ણાતોનું આકલન છે કે પાક. સ્થિત આતંકી સંગઠનોએ આ ક્ષેત્રમાં ટ્રેનિંગ કેમ્પ્સ સક્રિય કરી દીધા છે. કાશ્મીર ખીણમાં આતંકી સંગઠનોના ટોચના કમાન્ડર્સના સફાયાથી થયેલું ભારે નુકસાન ભરપાઇ કરવા જમ્મુમાં હુમલાનું કાવતરું ઘડાઇ રહ્યું છે. તાજેતરમાં ડોડા, કિશ્તવાર અને રામબનના પહાડી જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં શસ્ત્રો-દારૂગોળાની ખેપ પકડાઇ રહી છે જ્યારે સરહદી જિલ્લા સાંબા અને કઠુઆ પર ડ્રોનનું નવું જોખમ તોળાય છે. અહીં આઇઇડી સહિત હથિયારોની ખેપ પહોંચાડાઇ રહી છે. ગત 27 જૂને જમ્મુના એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલા બાદથી ક્ષેત્રમાં ડ્રોન સ્પોટિંગના એક ડઝન બનાવ બની ચૂક્યા છે. તેનાથી સ્પષ્ટ છે કે જમ્મુ ક્ષેત્રમાં આતંકી સંગઠનોએ ઓવરગ્રાઉન્ડ વર્કર્સની મદદથી વિસ્તારમાં નેટવર્ક મજબૂત બનાવી લીધું છે. રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને ગુપ્તચર એજન્સીઓ આ ઘટનાઓ પાછળ એક ચોક્કસ પેટર્ન જાણવા ચાંપતી નજર રાખી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા મુજબ ગત જુલાઇથી અત્યાર સુધીમાં જમ્મુ ક્ષેત્રમાં આતંકીઓ સાથે 5 અથડામણ થઇ છે, જેમાં 7 આતંકીનો સફાયો કરાયો છે. 10 ઓગસ્ટે પોલીસે પૂંચમાં હવાલાના 25.81 લાખ રૂ. પકડ્યા હતા.