સરકાર દ્વારા તાજેતરમાં 2022-23 ની માર્કેટિંગ સીઝન માટે રવી પાકની એમએસપીમાં (મીનીમમ સપોર્ટ પ્રાઇસ) વધારો જાહેર કરતા આગામી સમયમાં મોંઘવારી વધવાની ભીતિ આગેવાન વેપારીઓએ વ્યક્ત કરી હતી.
સરકાર દ્વારા મસૂરની એમએસપીમાં રૂ 400 અને ચણામાં રૂ 130નો વધારો કર્યો છે. સરકાર દ્વારા ટૂંકા સમયગાળામાં બીજી વખત એમએ
સપીમાં વધારો જાહેર કરાયો છે. સરકારના આ પગલા પાછળ ખેડૂત આંદોલન અને ઉત્તરપ્રદેશની ચૂંટણીને જવાબદાર ગણવામાં આવે છે. આ પગલા થકી સરકાર ખેડૂતોને ખુશ કરવા માંગે છે.
તો બીજી તરફ સરકારના આ પગલાથી વેપારીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. એક તરફ સરકાર મોંઘવારીને અંકુશમાં લાવવાની વાતો કરે છે અને બીજી તરફ તે પોતે જ ભાવમાં વધારો જાહેર કરે છે. સરકારની આ જાહેરાત બાદ વિવિધ જણસો સરકારી ભાવ કરતા ઊંચા ભાવે જ બજારમાં ઉપલબ્ધ થશે.
આમ, સરકાર દ્વારા મોંઘવારીને અંકુશમાં લાવવા સ્ટોક લિમિટ અને વેપારીઓને દંડવાના પગલા ભરે છે અને બીજી તરફ ખુદ સરકાર જ ભાવ વધે તેવા પગલા ભરે છે. આમ, આ બેધારી નીતિથી સરવાળે તો પ્રજાના માથેના બોજામાં વધારો થશે તેમ વેપારી વર્ગનું માનવું છે.
સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને રાજ્ય પ્રમાણે ખાદ્યતેલો પર સ્ટોક લિમિટ અમલી બનાવવા લેખિતમાં જાણ કરાઈ છે. સરકારના મત મુજબ થોડા સમય અગાઉ ખાદ્યતેલો પરની આયાત ડયુટી ઘટાડાઈ હોવા છતાં બજારમાં તેલના ભાવ ઊંચા જ છે.