વિઘ્નહર્તા દેવ ગણપતીના પર્વ એવા ગણેશોત્સવનો આજથી મંગલ પ્રારંભ થયો છે. ત્યારે ખંભાળિયામાં ઠેર-ઠેર ગણપતિ સ્થાપન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
દુંદાળાદેવના તહેવાર ગણેશ ચતુર્થી ના મંગલ તહેવાર નિમિત્તે આજે ખંભાળિયામાં જુદા-જુદા વિસ્તારોમાં વાજતે- ગાજતે ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે હાલ કોરોનાની પરિસ્થિતિમાં સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિયંત્રણોને ધ્યાને લઇ, ભક્તજનો દ્વારા મોટા આયોજનો મુલત્વી રાખવામાં આવ્યા છે. અને વિવિધ સ્થળોએ મર્યાદિત સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ વચ્ચે ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું છે.
આજરોજ ગણેશોત્સવના પાવન પર્વે વિઘ્નહર્તા દેવની સ્થાપના તેમજ પૂજન-અર્ચન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આટલું જ નહીં, અનેક ગણેશભક્તોએ ગણેશજીની સ્થાપના પોતપોતાના ઘરે કરી અને આસ્થા વ્યક્ત કરી હતી.
ત્રણ દિવસ, પાંચ દિવસથી માંડી અને આસ્થા સુધી ગણપતિનું વિધિવત સ્થાપન આજરોજ કરવામાં આવ્યું છે. અહીંના નવાપરા, સ્ટેશન રોડ, રામનાથ સોસાયટી વિગેરે વિસ્તારોમાં ધામધૂમપૂર્વક ગણેશજીને આવકારવામાં આવ્યા હતા અને ઠેર-ઠેર ધર્મમય માહોલ છવાયો હતો.