જામનગર શહેરના બેડેશ્વરમાં એકડેએક બાપુ વિસ્તારમાં નજીવી બાબતે યુવાન ઉપર ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોએ લાકડી અને કુહાડી વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગરના શહેરના બેડેશ્વરમાં એકડેએક બાપુની દરગાહ પાસેના વિસ્તારમાં રહેતી મહિલા કુદરતી હાજતે જતી હતી ત્યારે સદામ સુમારિયા નામનો શખ્સ લાકડા કાપતો હતો જેથી મહિલાને જતાં રહેવાનું કહ્યું હતું. બાદમાં ઝાડ કાપવા બાબતે મહિલા અને તેણીના પતિ બન્ને સદામને સમજાવવા ગયા ત્યારે સદામ સુમારિયા, મામદ હુશેન સુમારિયા, કારીબેન સદામ સુમારિયા, હુશેનાબેન મામદ સુમારીયા અને રસીદાબેન નામના પાંચ શખ્સોએ યુવાન ઉપર કુહાડી અને લાકડી વડે હુમલો કરતા યુવાનની પત્ની સાયનાબેન પતિને બચાવવા વચ્ચે પડયા હતાં. હુમલાખોરોએ દંપતીને માર મારી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
બનાવની જાણ થતા મહિલા એએસઆઇ યુ.પી. પરમાર તથા સ્ટાફે હુમલામાં ઘવાયેલા તૈયબભાઈના નિવેદનના આધારે ત્રણ મહિલા સહિત પાંચ શખ્સો વિરુધ્ધ હુમલો કરી ધમકી આપ્યાનો ગુનો નોંધી હુમલાખોરોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામનગરના બેડેશ્વરમાં દંપતી ઉપર પાંચ શખ્સો દ્વારા હુમલો
લાકડા કાપવાની બાબતે સમજાવવા જતાં માર માર્યો : કુહાડી અને લાકડીના ઘા ઝીંકયા