ઝારખંડ વિધાનસભા પરિસરમાં નમાજ પઢવા માટે રૂમ ફાળવવાની ઘટનાએ વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. હવે પૂર્વ સ્પીકર અને ભાજપના નેતા સીપી સિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, હિંદુઓને પણ વિધાનસભા પરિસરમાં હનુમાન મંદિર બનાવવાની મંજૂરી આપવામાં આવે.
અગાઉ ભાજપના નેતા વિરંચી નારાયણનું નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે માગણી કરી હતી કે, નમાજ પઢવા માટે રૂમ આપવાની સાથે હિંદુઓને હનુમાન ચાલીસા વાંચવા માટે રૂમ ફાળવવામાં આવે.
ઝારખંડ વિધાનસભામાં 2 સપ્ટેમ્બરના રોજ નમાજ પઢવા માટે રૂમ ફાળવવામાં આવ્યો હતો. ત્યાંનો ટીડબલ્યુ 348 નંબરનો રૂમ નમાજ પઢવા માટે ફાળવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તે વાતને લઈ વિવાદ છેડાયો છે.
જગ્યા આપો, અમારા પૈસે મંદિર બંધાવીશું
ભાજપના નેતા સીપી સિંહે જણાવ્યું કે, અમને નમાજ સામે કોઈ વાંધો નથી પરંતુ તેમને વિધાનસભા પરિસરમાં હનુમાન મંદિર માટે પણ જગ્યા મળવી જોઈએ. જો સ્પીકર આ માટે મંજૂરી આપે અને જગ્યા ફાળવે તો અમે અમારા પૈસાથી મંદિર સ્થાપિત કરીશું.