દ્વારકા રહેવાસી અને કલાકાર રાજુભાઇ ઠાકર (પેઈન્ટર) તથા તેમના બે પુત્રો નિમેષ ઠાકર તથા ચિત્રકાર હિતેન ઠાકરે અને પૌત્રી શ્રીયા ઠાકરે પોતાની આગવી કલાકારીના માધ્યમથી યુ.કે.ની સંસ્થા ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં નામ નોધાવ્યું છે.
છેલ્લા એક દાયકા ઉપરાંતથી કલાકારીના ક્ષેત્રે સતત નવતર પ્રયોગો કરી અલગ અલગ કીર્તિમાન સર્જી ચુકેલા હિતેન ઠાકરે પોતાના વિદ્યાર્થીઓને પણ સહભાગી બનાવી ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ કરાવ્યો છે.
યુ.કે.ની સંસ્થા દ્વારા આયોજિત ઓનલાઈન સ્પર્ધા અંતર્ગત ગિનીસ બુક ઓનલાઈન કેટેગરીમાં એકસાથે એકી સમયે 797 કલાકારોએ પેઇન્ટિંગ કરી ઓનલાઈન જ અપલોડ કરવાનો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો કીર્તિમાન નોંધાવ્યો છે. આમ, દ્વારકાના એક જ પરિવારની ત્રણ પેઢીઓ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામતા દ્વારકામાં ગૌરવની લાગણી ફેલાઈ છે. ઉલ્લેખનીય છે કે હિતેન ઠાકરે અનન્ય કૃષ્ણ પ્રેમને લઈને નૃત્ય સાથે પેઈન્ટીંગની વિશિષ્ટ કળા સાથે અને એમપણ સહજ રીતે સર્જેલી અનેક કલાકૃતિઓ દ્વારકાના વિવિધ સ્થળોએ સ્થાન પામી છે.