કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, લોકોએ દિવાળી, ઇદ અને ગણેશ ચતુર્થી જેવા તહેવારોમાં મોટી સંખ્યામાં ભેગા થયા વિના ઘરમાં જ ઉજવણી કરવી જોઇએ. હવે ગણેશ ચતુર્થી, દિવાળી અને ઇદના તહેવારો આવી રહ્યાં છે. આપણે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ તમામ તહેવારો સંયમ અને નિયંત્રણ સાથે ઊજવવા જોઇએ.
અમે દરેકને ઘરમાં જ તહેવાર ઊજવવાની અપીલ કરીએ છીએ. કોરોના મહામારીનો સેક્ધડ વેવ હજુ પૂરો થયો નથી તેવી ચેતવણી સાથે કેન્દ્ર સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં એકઠાં થવું ટાળવું જોઇએ પરંતુ જો ભીડમાં સામેલ થવું એટલું જ જરૂરી હોય તો કોરોના રસીના બંને ડોઝ લેવા જરૂરી છે.
આઇસીએમઆરના ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે, લોકોને મોટી સંખ્યામાં એકઠાં થવાં દેવાં જોઇએ નહીં. અત્યંત જરૂરી હોય તો એકઠાં થનારા લોકોએ કોરોના રસીના બંને ડોઝ લીધા હોવા જરૂરી છે. લોકોએ રસી લીધી હોય તો પણ માસ્ક પહેરવાનું ચાલુ રાખવું જોઇએ.
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, દેશમાં સાપ્તાહિક પોઝિટિવિટી રેટમાં ઘટાડો થયો છે તેમ છતાં સેક્ધડ વેવ સમાપ્ત થયો નથી. 31 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશના 39 જિલ્લામાં સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 10 ટકા કરતાં વધુ અને 38 જિલ્લામાં પાંચથી 10 ટકાની વચ્ચે રહ્યો છે. દેશના 42 જિલ્લામાં હજુ દૈનિક 100 નવા કેસ આવી રહ્યાં છે. કેરળમાં કોરોનાના 1 લાખ કરતાં વધુ એક્ટિવ કેસ છે. દેશમાં અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 300 કેસ સામે આવ્યા છે.