જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક મોડીરાત્રે એક કાર બેકાબુ બનીને રોડથી નીચે ઉતરી ઝાડ સાથે ટકરાઇ ગઇ હતી. જે અકસ્માતમાં કારના ચાલક ખંભાળિયાના યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.
અકસ્માતના બનાવની વિગત એવી છે કે ખંભાળિયામાં રહેતો સંજય જેરામભાઈ ટાકોદરા (ઉ.વ.29) નામનો યુવાન પોતાની કાર લઇને ખંભાળીયાથી રાજકોટ અને ત્યાંથી એકલો ખંભાળિયા તરફ પરત આવી રહ્યો હતો. જે દરમિયાન ધ્રોલના હાઈવે રોડ પર પૂરપાટ વેગે આવી રહેલી કાર અકસ્માતે રોડ પરથી નીચે ઉતરી ઝાડ સાથે ટકરાઇ ગઇ હતી. જે અકસ્માતમાં સંજય ટાકોદરાને ગંભીર ઈજાઓ થઈ હતી. સૌપ્રથમ ધ્રોલની અને ત્યાંથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન તેની તબિયત લથડતાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી રહ્યો હતો. પરંતુ તેનું મોડી રાત્રે માર્ગમાં જ મૃત્યુ નીપજયું હતું. બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસે ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.