Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયા તાલુકાના બેહ ગામે શેઢા તકરારમાં યુવાનની કરપીણ હત્યા

ખંભાળિયા તાલુકાના બેહ ગામે શેઢા તકરારમાં યુવાનની કરપીણ હત્યા

આરોપી શખ્સની શોધખોળ

- Advertisement -

ખંભાળિયા તાલુકાના બેહ ગામે ગઇકાલે શુક્રવારે બપોરે એક ગઢવી શખ્સ દ્વારા શેઢા બાબતે શેઢા પાડોશી એવા એક ગઢવી યુવાનની ધોકા વડે નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા ગઢવી રામભાઈ વિરપાલભાઈ સંધીયા નામના આશરે 42 વર્ષના યુવાન સાથે આ જ વિસ્તારમાં રહેતા વેજાણંદ નાગાજણ પતાણી નામના શખ્સ સાથે બાજુ બાજુમાં વાડીનો શેઢો હોય, આ બાબતે ગઇકાલે શુક્રવારે બપોરે બોલાચાલી થઇ હતી. જેના અનુસંધાને આરોપી વેજાણંદ નાગાજણ પતાણીએ રામભાઈ સંધીયા ઉપર લાકડાના ધોકા વડે હૂમલો કર્યો હતો. આ હુમલાના કારણે માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં રામભાઈને ખંભાળિયાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવે તે પહેલાં જ તેમણે અંતિમ શ્વાસ ખેંચતા હતા. આરોપી શખ્સ દ્વારા શેઢાની તકરારમાં મૃતકના ભાઈ ધનાભાઈને પણ લાકડી વડે માર મારી ઇજાઓ પહોંચાડી હોવાનું વધુમાં જાહેર થયું છે.

આ બનાવ બનતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતકના નાનાભાઈ ધનાભાઈ વીરપારભાઈ સંધીયાની ફરિયાદ ઉપરથી આરોપી વેજાણંદ સામે મનુષ્ય વધની કલમ 302, 323, 504 તથા જી.પી. એક્ટ મુજબ ધોરણસર ગુનો નોધી, અહીંના પીઆઈ. વી.વી. વાગડીયા દ્વારા આરોપીને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ બનાવ બનતા ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી તથા સ્ટાફ બેહ ગામે દોડી ગયા હતા. આ સમગ્ર બનાવે નાના એવા બેહ ગામમાં ભારે ચકચાર જગાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular