કોરોના વાયરસનું સંક્રમણ હજુ પણ ખતમ નથી થયું. બીજી લહેર જ્યારે પોતાના પીક પર હતી ત્યારે આખા દેશમાં સંક્રમણના કેસ અને મોતનો આંકડો ઝડપથી વધ્યો હતો. ગુજરાતમાં પણ આવું જ થયું હતું પણ તેમ છતાં સરકારે કોરોનાથી મરનારાઓના સાચા આંકડા છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વાતનો ખુલાસો એક અભ્યાસમાં થયો છે. ’ધ ટેલીગ્રાફ’ના એક રિપોર્ટ અનુસાર એક અભ્યાસમાં દાવો કરાયો છે કે, ગુજરાતમાં કોરોનાથી થયેલા મોતનો આંકડો છૂપાવાયો છે. રિસર્ચરોએ ગુરૂવારે જાહેર કરેલ અભ્યાસમાં કહ્યું કે, ગુજરાતની 162 નગરપાલિકાઓમાંથી 54ના આંકડા આખા રાજ્યની ઓફીશ્યલ કોરોના મોતની સંખ્યાથી ઘણા વધારે છે. અભ્યાસમાં દાવો કરાયો છે કે, એપ્રિલ-2021માં ગુજરાતમાં 480 ટકા વધારે મોત થયા છે. જે દુનિયામાં કયાંય પણ એક મહિનામાં નોંધાયેલ મોતમાં સૌથી વધારે ટકાવારી છે. એપ્રિલ 2020માં ઇકવાડોરમાં કોવિડથી થયેાલ મોતમાં 411 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
તો એપ્રિલ 2021માં પેરૂમાં 345 ટકાનો વધારો થયો હતો. પણ આ એ બંનેથી પણ વધારે છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં રાજ્યના દૈનિક નવા કેસો 2400થી છ ગણા વધીને મહિનાના અંતમાં લગભગ 14000 થઇ ગયા હતા. રિસર્ચરોએ આ ડેટા નાગરિક ડેથ રજીસ્ટરમાંથી લીધા છે. તેમના અનુસાર માર્ચ 2020 અને એપ્રિલ 2021 વચ્ચે 54 નગરપાલિકાઓમાં લગભગ 16000 વધારે મોત થયા હતા. ભારતનું આરોગ્ય મંત્રાલય કોરોના મૃત્યુના આંકડાઓ માટે રાજ્યો પર નિર્ભર છે. મંત્રાલયના આંકડાઓ અનુસાર ગુરૂવાર સુધીમાં 10080 મોત ગુજરાતમાં થયા છે અને આખા દેશમાં અત્યાર સુધી 4,36,000 મોત થયા છે. બીજી લહેર દરમિયાન મોતમાં ઝડપી વધારો થયો હતો. માર્ચ 2020 પછીથી 54 નગરપાલિકાઓમાં કુલ 44568 મોત નોંધાયા હતા. જાન્યુઆરી 2019 અને ફેબ્રુઆરી 2020 વચ્ચેના ગાળાની સરખામણીમાં તે લગભગ 16000 વધારે મોત હતા.