Friday, December 27, 2024
Homeરાજ્યખંભાળિયામાં તહેવારોને અનુલક્ષીને ફૂડ વિભાગ દ્વારા ઘીના સેમ્પલ લેવાયા

ખંભાળિયામાં તહેવારોને અનુલક્ષીને ફૂડ વિભાગ દ્વારા ઘીના સેમ્પલ લેવાયા

જામનગરના અધિકારીઓની ટીમની કાર્યવાહીથી દોડધામ

- Advertisement -

ખંભાળિયા શહેર ઘી ના ઉત્પાદન તથા નિકાસ માટે વિશ્વવિખ્યાત છે. અહીં ઘી ની દૈનિક મોટી માત્રામાં ગ્રામ્ય વિસ્તારોમાંથી આવક તથા અમદાવાદ, સુરત જેવા શહેરી વિસ્તારોમાં જાવક થાય છે. આગામી દિવસોમાં જન્માષ્ટમી, નવરાત્રી, દિવાળી વિગેરે તહેવારોના દિવસો હોય, જામનગરના ફુડ વિભાગ દ્વારા ગઇકાલે બુધવારે શહેરના કેટલાક વેપારીઓ પાસેથી ઘી ના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

ખંભાળિયા શહેરમાં વેચાતા ઘીની ગુણવત્તા ચકાસવા તથા સામે ચેકીંગ અંગેની કાર્યવાહી હાથ ધરવાના હેતુથી જામનગરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સામૂહિક રીતે ખંભાળિયામાં ચેકીંગ અર્થે આવ્યા હતા. અહીં ફૂડ સેફટી ઓફિસર એન.એમ.પરમાર, એસ.પી. સોલંકી, તથા એસ.જે. પ્રજાપતિ દ્વારકા ખંભાળિયાના પુરવઠા અધિકારી, કર્મચારીઓને સાથે રાખી જુદી-જુદી ત્રણ ટીમ મારફતે ખંભાળિયાની મેઈન બજાર વિસ્તારમાં આવેલા ઘીના ત્રણ ધંધાર્થીઓ પાસેથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ તેઓ દ્વારા પૃથક્કરણ માટે બરોડાની ખાસ લેબમાં મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ દોઢેક માસ બાદ આવશે.

જામનગરથી ફૂડ વિભાગના અધિકારીઓની કાર્યવાહીથી શહેરભરના ઘીના ધંધાર્થીઓ, વિક્રેતાઓમાં દોડધામ મચી જવા પામી હતી અને કેટલીક દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી. જોકે અહીં ધી નું મોટુ ટર્ન ઓવર ધરાવતા વેપારીઓના સેમ્પલો લેવામાં આવ્યા ન હતા.!!

દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગરથી અલગ થયે આઠ વર્ષથી વધુ સમય થયો તેમ છતાં પણ અહીં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરી નથી. આ અંગેની કોઈ પણ કાર્યવાહી જામનગરની કચેરીથી જ સંચાલિત થાય છે!! આટલું જ નહીં ખંભાળિયા પંથકનું ઘી સમગ્ર ભારત દેશના જુદા જુદા વિસ્તારોમાં જાય છે. પરંતુ અહીં ઘી ની ગુણવત્તા ચકાસણી માટે ઘી ગ્રેડિંગ લેબોરેટરી પણ નથી!!! આશરે બે દાયકા અગાઉ ખંભાળિયામાં સરકારી ઘી ગ્રેડિંગ લેબોરેટરી કાર્યરત હતી.

કોઈ કારણોસર અહીં ઘી અંગેનું ચેકિંગ અપૂરતું તથા ઘીના વેપારના મોટા માથાઓને કોઈપણ રીતે પ્રભાવિત કરી શકતું નથી.

ખંભાળિયા શહેર જિલ્લાનું મુખ્ય મથક હોય, અહીં અનેકવિધ ખાણીપીણીના ધંધાર્થીઓ મોટા પ્રમાણમાં છે. પરંતુ તેઓની ગુણવત્તાની ચકાસણી કરવાવાળું કોઈ ન હોય, હાલ આ બાબત જિલ્લો ધણીધોરી વગરના બની રહ્યો છે. જેથી ક્વોલિટી બાબત ‘હોતી હૈ ચલતી હૈ’ નો ઘાટ જોવા મળે છે. વાર-તહેવારે જામનગરથી ફુડ વિભાગ દ્વારા અહીં ચેકિંગની કામગીરી કરવામાં આવે છે. આ અપૂરતી મનાતી કામગીરી માત્ર ફોર્માલિટી બની રહે છે. ખંભાળિયા પંથકમાં છેલ્લા વર્ષોમાં કદી ખાણીપીણી અંગે કડક અને નક્કર કાર્યવાહી થઇ નથી કે દાખલારૂપ સજાના કેસ થયા નથી. આ ગંભીર મુદ્દો પ્રબુદ્ધ નાગરિકોમાં ટીકા સાથે સમયાંતરે ચર્ચાસ્પદ બની રહે છે.
તહેવારોને અનુલક્ષીને માત્ર સામાન્ય અને નાના વેપારીઓના જ ઘી ના સેમ્પલ ગઈકાલે લેવામાં આવ્યા છે. આગામી મહિનાઓ હવે ખાણીપીણીના હોય, શહેરમાં ધમધમતી હોટેલો કે મીઠાઈ, ફરસાણના વિક્રેતાઓને ત્યાં ક્વોલિટી અંગેની તટસ્થ, નિષ્પક્ષ તેમજ સરપ્રાઈઝ તપાસ થવી જોઇએ તેમ પ્રબુદ્ધ નગરજનો ઇચ્છી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular