ખંભાળિયા- જામનગર માર્ગ પર વડાલીયા સિંહણ ગામે રહેતા રાજેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા નામના 42 વર્ષીય શખ્સે પોતાના કબજા ભોગવટાની વાડીમાં આવેલા રહેણાંક મકાને પોતાના અંગત આર્થિક લાભ માટે જુગારીઓ પાસેથી નાલ ઉઘરાવી અને જુગાર રમવાની સુવિધાઓ પુરી પાડી, ચલાવતા જુગારના અખાડા પર સ્થાનિક પોલીસે દરોડો પાડ્યો હતો.
આ સ્થળે ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા ઇન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા, વનરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા, શિવરાજસિંહ મનુભા ગોહિલ, નટુભા બનેસંગ જાડેજા, અલ્લારખા ઓસમાણ ગજણ અને જયેન્દ્રસિંહ ખીમાજી સોઢા નામના કુલ સાત શખ્સોને આ સ્થળેથી દબોચી લેવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 47,600 રોકડા તથા રૂપિયા 20,500ની કિંમતના પાંચ નંગ મોબાઇલ ફોન મળી, કુલ રૂપિયા 68,100 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.