બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોયે 2013માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સરકાર સાથે એમઓયુ કરી ધોળકા પાસે રોયલ બીચ સિટી-ગોવાના નામે એક રિઅલ એસ્ટેટ ટાઉનશિપની સ્કીમ મૂકી હતી. આ સ્કીમમાં રોકાણકારો સાથે છેતરપિંડીની ફરિયાદ ગુજરાત રેરામાં થતાં ઓથોરિટીના ચેરમેન ડો. અમરજિત સિંઘે સુનાવણી કરી હતી, જેમાં કંપની સામે પોલીસ ફરિયાદની ચીમકી આપી હતી.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ રઘુલીલા ઇન્ફ્રા કંપની સ્થાપીને વિવેક ઓબેરોયે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સરકાર સાથે 400 કરોડના એમઓયુ 2013 અને 2015માં કર્યા હતા. આ હેઠળ ગણપતિપુરા પાસે એક ટાઉનશિપ અને ટૂરિઝમ ફેસિલિટી ઊભી કરવાનું આયોજન હતું. રોકાણોને આકર્ષવા માટે ઓબેરોયે તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના પોતાના ફોટોગ્રાફ થકી મોદીની લોકપ્રિયતા વટાવી હોવાના આક્ષેપો થયાં છે. હવે આ કંપનીએ સાત વર્ષ બાદ પણ કોઈ વિકાસ કર્યો નથી અને ટૂરિઝમ અને અન્ય પોલિસી હેઠળ 100 કરોડ જેટલો લાભ મેળવી લીધો છે.
સમય જતાં ઓબેરોયે પોતાની પાર્ટનરશિપ શેર ઘટાડી 4 ટકા કરી નાખ્યો હોવાનું પણ સૂત્રોએ કહ્યું છે. હવે આ સમગ્ર પ્રોજેક્ટ અહીંના સ્થાનિક ડેવલપરને માથે નાખી દેવાયો છે. સિંઘે આ કંપનીને કહ્યું હતું કે, તમે 15 દિવસમાં કંપનીના થયેલા કરારો ઉપરાંત સરકાર પાસેથી વિવિધ પોલિસી હેઠળ જે લાભ લીધા હોય તે જાહેર કરો અને વિવેક ઓબેરોયને સુનાવણી માટે હાજર રાખો નહિતર કંપની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવશે.
આ અંગે રેરાના ચેરમેન ડો. અમરજિત સિંઘે જણાવ્યું હતું કે, આ કિસ્સામાં એક સુનાવણી સોમવારે સાંજે થઈ હતી, પરંતુ આ અંગે કોઇ વિગતો હાલ જાહેર કરી શકાય નહીં. સમય આવ્યે ઓથોરિટી જે હુકમ આપશે તે સમયે તેની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવશે.