પવિત્ર શ્રાવણમાસમાં શિવાલયોમાં ભગવાન શિવને વિવિધ પ્રકારના શણગાર કરવામાં આવે છે. ત્યારે આજે રોજ એટલે કે ત્રીજા સોમવારે દ્વારકામાં આવેલ દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મંદિરે મહાદેવને અદ્ભુત પુષ્પ શણગાર કરવામાં આવ્યા છે. આજે રોજ મહાદેવના દર્શન કરવા પણ મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે. રુદ્ર સંહિતામાં શિવને ‘દારુકાવન નાગેશમ્’ તરીકે ઓળખાવ્યા છે. નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. પરિણામે મંદિરનો મહિમા પણ અનેક ગણો છે.