દેશના ઐતિહાસિક એવા માતા મનસા દેવીના મંદિરમાં હવે ટૂંકા કપડા પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ટૂંકા વસ્ત્રો પહેરીને આવનારા લોકોને હવેથી મંદિરમાં પ્રવેશ નહીં આપવામાં આવે. મંદિર બોર્ડના સચિવ શારદા પ્રજાપતિએ જણાવ્યું કે, અનેક શ્રદ્ધાળુઓ દ્વારા મળતી ફરિયાદના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ધર્મની મર્યાદા અને સંસ્કૃતિના પાલન માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શારદા પ્રજાપતિના કહેવા પ્રમાણે બાળકોમાં સંસ્કારનું સિંચન કરવા માટે હવેથી ટૂંકા કપડા, જીન્સ પહેરીને આવનારાઓને અંદર નહીં આવવા દેવામાં આવે. જે લોકો એવું વિચારે છે કે, કપડાથી કોઈ ફરક ન પડે, બની શકે કદાચ તેમને ફરક ન પડતો હોય પરંતુ જે બીજા લોકો આવે છે તેમને ટૂંકા કપડા પહેરેલા લોકોને જોઈને ખૂબ આપત્તિ અનુભવાય છે. અનેક લોકોએ મંદિરમાં મર્યાદાનું પાલન થવું જોઈએ તેવી માગણી કરી હતી અને ગુરૂદ્વારામાં તો માથું પણ ઢાંકીને જવાનું હોય છે ત્યારે મંદિરમાં ટૂંકા કપડા પહેરીને આવનારાઓને પ્રવેશ આપવામાં આવે તે ખોટું છે. તેમણે યુવાનોને શોર્ટ્સ પહેરીને ન આવવા માટે વિનંતી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, મનસા દેવીનો ઈતિહાસ પણ એટલો જ પ્રાચીન છે જેટલો અન્ય સિદ્ધ શક્તિપીઠોનો. માતા મનસા દેવીના સિદ્ધ શક્તિપીઠ પર બનેલા મંદિરનું નિર્માણ મનીમાજરાના રાજા ગોપાલસિંહે પોતાની મનોકામના પૂર્ણ થવા પર આજથી લગભગ પોણા બસો વર્ષ પહેલા માત્ર 4 વર્ષમાં પોતાની દેખરેખ અંતર્ગત સન 1815માં પૂર્ણ કરાવ્યું હતું.