ટ્રાફિક નિયમ તોડવા પર ટ્રાફિક પોલીસ ફક્ત ફોટો પાડીને વાહનચાલકને ચલણ મોકલી શકશે નહીં. રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય ટ્રાફિકના નિયમોના કડક પાલન માટે નિયમોમાં ફેરફાર કર્યા છે.
હવે પોલીસને ટ્રાફિકના નિયમ તોડનાર વાહન ચાલકને ચલણ મોકલવા માટે ફરજિયાતપણે ફૂટેજ એટલે કે રેકોર્ડિગ કરવું પડશે. આ માટે પરિવહન વિભાગ અને રાજ્યોની પોલીસ ચાર રસ્તા પર ડિજિટલ ઉપકરણ લગાવશે. સડક પરિવહન મંત્રાલયે ગુજરાતના ચાર સહિત દેશના 132 શહેરોની આ પ્રોજેક્ટ માટે પસંદગી કરી છે.
હાલમાં ચલણની સાથે વાહનચાલકનો નિયમ ભંગ કરતો ફોટો મોકલવામાં આવે છે. જો કોર્ટમાં વાહનચાલક પોતાનો આ અપરાધ સ્વીકારતો નથી અને પોતે કોઇ નિયમ તોડયો ન હોવાનો દાવો કરે છે. જેના કારણે પોલીસ અને કોર્ટનો સમય વેડફાય છે. હવે કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરી શકાય તે માટે પોલીસ દ્વારા રેકોર્ડિગ કરવામાં આવશે. જેને કોર્ટમાં રજૂ કરી શકાશે. જેના કારણે વાહનચાલક પોતાને નિર્દોષ ગણાવી શકશે નહીં.
ગુજરાતમાં અમદાવાદ સહિત ચાર શહેર, ઉત્તર પ્રદેશના કાનપુર, લખનઉ, ગાઝિયાબાદ, વારાણસી સહિત 17 શહેર, મધ્ય પ્રદેશના ભોપાલ, ઇન્દોર, ઉજ્જૈન સહિત સાત શહેર, રાજસ્થાનના જયપુર, ઉદયપુર, કોટા સહિત પાંચ શહેર, મહારાષ્ટ્રમાં મુંબઇ, પુણે, કોલ્હાપુર, નાગપુર સહિત 19 શહેરમાં વાહનચાલકોનું રેકોર્ડિગ કરી શકાય તે માટે ડિજિટલ ઉપકરણો લગાવવામાં આવશે.