શાળાઓમાં ભરવાની ફીમાં 50 ટકાની રાહત આપવાની માગ સાથે હાઈકોર્ટમાં વાલી મંડળ દ્વારા જાહેરહિતની અરજી ફાઇલ કરવામાં આવી છે. આ અરજી પરની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. અરજીમાં અરજદારની રજૂઆત છે કે, વર્ષ 2020-21ના શૈક્ષણિક વર્ષમાં રાજ્ય સરકારે શાળાની ટયુશન ફીમાં 25 ટકા માફી આપવાની જાહેર કરી હતી. જો કે, આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારનો કોઈ નિર્ણય કરવામાં આવેલો નથી. જેના લીધે ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી પૂરી ફી વસુલી રહી છે. આ સ્થિતિમાં વાલીઓની હાલત કફોડી બની રહી છે. છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારીના લીધે લોકોના ધંધા-રોજગાર અને નોકરી પર બહુ મોટી અસર થઈ છે. લોકોની આવકમાં પણ ઘટાડો થયો છે.
આ સંજોગોમાં શાળાની ફીમાં 50 ટકાની માફી આપવામાં આવે, તો લોકોને મોટી રાહત મળશે. ગત વર્ષે શાળાની ફી માં રાહત આપવાની માગ સાથે આ જ વાલીમંડળ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેના પર લાંબી સુનાવણી બાદ, હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો હતો કે, ટયુશન ફીમાં 25 ટકાની રાહત આપવામાં આવે. આ સિવાયની બીજી કોઈ ફી ખાનગી શાળાઓ દ્વારા વસુલવી નહીં. જે આદેશ બાદ, સરકારે પરિપત્ર બહાર પાડયો હતો. જેના લીધે, વાલીઓને કોરોનામાં ગત શૈક્ષણિક વર્ષમાં થોડીઘણી રાહત મળી હતી. રાજ્યમાં હાલ 15 હજારથી વધુ ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એફઆરસી દ્વારા આ ખાનગી શાળાઓની ફી નક્કી કરવામાં આવે છે. આ નક્કી કરાયેલી ફી ત્રણ વર્ષ સુધી માન્ય રહે છે.


