આસ્થા સાથે સંકળાયેલા ભારત દેશમાં ફિલ્મ અભિનેતાઓ સહીત અનેક હસ્તીઓના મંદિર બન્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં રહેતા બીજેપીના એક સમર્થકે પીએમ નરેન્દ્ર મોદીનું મંદિર બનાવ્યું છે.
પુણેમાં રહેતા ભાજપના કાર્યકર મયૂર મુંડેએ શહેરના ઔંધ વિસ્તારમાં રસ્તા કિનારે પોતાના પરિસરમાં પીએમ નરેન્દ્ર મોદીનું મંદિર બનાવ્યું છે. આશરે 6 ફૂટ x 2.5 ફૂટ x 7.5 ફૂટ ક્ષેત્રફળવાળા આ મંદિરમાં પીએમ મોદીની પ્રતિમા લગાવવામાં આવી છે. આ કામને પુરુ કરવા માટે 1.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. અને પ્રધાનમંત્રીની પ્રતિમા અને મંદિરમાં ઉપયોગમાં લેવામાં આવેલા લાલ માર્બલ જયપુરથી મંગાવવામાં આવ્યા હતા.
મયૂર મુંડેએ જણાવ્યું હતું કે મેં વિચાર્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર બનાવનાર વ્યક્તિ માટે એક મંદિર હોવુ જોઇએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ ઘણા વિકાસ કાર્ય કર્યા છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370ને નિરસ્ત કરવા, રામ મંદિરનો રસ્તો સાફ કરવા અને ટ્રિપલ તલાક જેવા મુદ્દાનું સફળતાપૂર્વક નિરાકરણ લાવ્યું છે.