ગઈકાલના રોજ મોરબીની અજંતા ઓરેવા કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ત્યારે ભુજમાં પણ પ્લાસ્ટિકના ગોડાઉનમાં મોડી રાત્રે આગની ઘટના સામે આવી છે. ભુજ તાલુકાના નાગોર રોડ પર રેલવે ફાટક પાસે ગત રાત્રીના રોજ પ્લાસ્ટિકના ગોડાઉન અને તેની બહાર પડેલા ભંગારમાં એકાએક વિશાળ આગ ફાટી નીકળી હતી.
અંકિત મનસુખલાલ ઠક્કરની માલિકીના પ્લાસ્ટિક ગોડાઉનમાં આગ લાગી હતી. જેને કાબુમાં લેવા ફાયરટીમનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને ત્રણ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી આકાશમાં તેની જ્વાળાઓ જોવા મળી હતી. પરિણામે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ મોટું નુકશાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.