સંસદના ચોમાસુ સત્રની સમાપ્તિ બાદ ગુરુવારે વિપક્ષી પાર્ટીઓ દ્વારા સંયુક્ત કૂચ કાઢવામાં આવી હતી. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ કૂચમાં એક ડઝનથી વધુ રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ આક્ષેપો કર્યા કે, સરકાર ગૃહમાં સાંસદો સાથે ગેરવર્તન કરી રહી છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે રાજ્યસભામાં પહેલી વખત સાંસદોને માર મારવામાં આવ્યો, બહારથી લોકોને બોલાવવામાં આવ્યા અને સાંસદોને મારવામાં આવ્યો. અધ્યક્ષની જવાબદારી ગૃહ ચલાવવાની છે, વિપક્ષ ગૃહમાં કેમ વાત કરી શકતો નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે દેશના વડાપ્રધાન આજે દેશને વેચવાનું કામ કરી રહ્યા છે, દેશના આત્માને બે-ત્રણ ઉદ્યોગપતિઓને વેચી રહ્યા છે. સંસદની અંદર કોઈ વાત કરી શકે નહીં.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશના 60 ટકા લોકોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે, રાજ્યસભામાં સાંસદો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. અમે સરકારને પેગાસસ મુદ્દે ચર્ચા કરવાનું કહ્યું, અમે ખેડૂતો, મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો. રાહુલે કહ્યું કે આ લોકશાહીની હત્યા છે.


