ટેરર ફંડિંગ મામલામાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)એ મોટી કાર્યવાહી કરી છે. ટેરર ફંડિંગ મામલે એનઆઇએએ જમ્મુ કાશ્મીરના 45થી વધારે સ્થળોએ દરોડા પાડયા છે. એજન્સીનાં સૂત્રોના કહેવા પ્રમાણે ટેરર ફંડિંગ મામલે આ અત્યારસુધીનું સૌથી મોટું ઓપરેશન છે. જાણકારી મુજબ જમ્મુ કાશ્મીરના 14થી વધારે જિલ્લામાં કાર્યવાહી ચાલી રહી છે.
દક્ષિણ કાશ્મીરમાં પણ મોટા પાયે કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન જમાત એ ઈસ્લામીના ઠેકાણાઓ ઉપર તપાસ કરવામાં આવી છે. સરકારે 2019મા આ સંગઠન ઉપર પાંચ વર્ષનો પ્રતિબંધ લાદી દીધો હતો. તેમ છતાં કાશ્મીરમાં સંગઠનની કાર્યવાહી ચાલી રહી હતી. જમાત-એ-પાકિસ્તાની એક અલગતાવાદી સંગઠન છે. જે પ્રતિબંધ છતાં કામ કરી રહ્યું હતું.
જાણકારી મુજબ જમાત હેલ્થ અને એજ્યુકેશનનાં નામે પાકિસ્તાની ખુફિયા એજન્સી આઇએસઆઇ મારફતે દુબઈ અને તુર્કી જેવા દેશમાંથી ફંડ મેળવતું હતું અને તેનો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને આતંક ફેલાવવા માટે કરવામાં આવતો હતો. કહેવાય છે કે થોડા સમય પહેલા જમાતે નવા અલગતાવાદીઓ અને આતંકવાદીઓની ભરતી માટે ગુપ્ત બેઠક યોજી હતી. જમ્મુ કાશ્મીરમાંથી 370 અને 35એ હટયા બાદથી પાકિસ્તાન આતંકી હરકતો કરી રહ્યું છે. સીમા પારથી આતંકી ગતિવિધિ ઉપર સુરક્ષા દળોએ સકંજો કસ્યો છે. આતંકી ઘૂસણખોરીમાં ભારે કમી આવી છે અને કાશ્મીરમાં નવી ભરતી પણ થઈ રહી નથી. જેનાં પરિણામે ડ્રોન મારફતે હથિયાર પહોંચાડવા હવાતિયા મારવામાં આવી રહ્યા છે.
કાશ્મીરમાં આતંકીઓની કેડ ભાંગી નાખવા એકસાથે 45 સ્થળે દરોડા
કાશ્મીરના 14 જિલ્લાઓમાં આતંકી ભંડોળનું પગેરું દબાવતી સરકાર