મધ્યાહન ભોજન યોજનાને બાળમંદિર સુધી વિસ્તારવાનાં પ્રસ્તાવ માટે નાણા મંત્રાલયે સહમતી દર્શાવી છે પણ પ્રાથમિક કક્ષાઓમાં નાસ્તો અને વાસણ સહિતની વ્યવસ્થા કરવાનાં પ્રસ્તાવ ઉપર મંત્રાલય સહમત થયું નથી. તેવું સરકારે સંસદની એક સમિતિને જણાવ્યું છે.

શિક્ષા મંત્રાલયનાં શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગે અનુદાનની માગણીઓ સંબંધમાં સમિતિની ભલામણો ઉપર સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનાં રિપોર્ટમાં આ જાણકારી આપી છે. આ રિપોર્ટ શુક્રવારે સંસદનાં બન્ને ગૃહોમાં રજૂ કરવામાં આવ્યો હતો.
સરકારે સ્વીકાર્યુ છે કે દેશમાં 3.79 લાખ આંગણવાડી કેન્દ્રોમાં શૌચાલયની અને 1.88 લાખ કેન્દ્રોમાં પીવાના પાણીની સુવિધા નથી. રાજયસભામાં એક સવાલના લેખિત જવાબમાં ગુરુવારે મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ માહિતી આપતાં કહયુ કે દેશભરમાં 1387432 આંગણવાડી કેન્દ્રો ચાલે છે. તેમાં 13,84,997 કેન્દ્રોના ઉપલબ્ધ આંકડાથી જાણવા મળે છે કે 1005257 આંગણવાડી કેન્દ્રોમાં શૌચાલયની સુવિધા અને 11,96,4પ8 કેન્દ્રોમાં પીવાના પાણીની સુવિધા છે. અન્ય એક સવાલના લેખિત જવાબમાં તેમણે કહયુ કે નાણાંકીય વર્ષ 2019-20માં 2.25 લાખ અત્યાધિક કુપોષિત બાળકોની 1072 પોષણ પુનર્વાસ કેન્દ્રોમાં અને 2020-21માં 1.04 લાખ બાળકોની 1073 કેન્દ્રોમાં સારવાર કરવામાં આવી છે.