જામનગર તાલુકાના મતવા ગામમાં બસ સ્ટેન્ડ પાસે આવેલી પાનની દુકાનના સંચાલકે મસાલાના પૈસા માગતા ચાર શખ્સોએ યુવાનને ઢીકાપાટુનો માર મારી દુકાનમાં નુકસાન કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના હડમતિયા ગામમાં રહેતા વિનોદભાઈ વિંઝુડા નામના યુવાનની મતવા ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલી સોનલ કૃપા પાન સેન્ટર નામની દુકાને તેનો પુત્ર ગૌતમ બેઠો હતો તે દરમિયાન હિતેશ કેશુ વાળા નામના શખ્સે મસાલો લઇ પૈસા ન આપતા ગૌતમે અગાઉના પૈસા અને આજના પૈસા માગતા ઉશ્કેરાઈ ગયેલા હિતેશે ફોન કરી સાગર, રાહુલ તથા તેના પિતા કેશુભાઇને બોલાવ્યા હતાં અને આ ચાર શખ્સોએ એક સંપ કરી લાકડી વડે ગૌતમ અને તેના પિતાને માર માર્યો હતો તેમજ દુકાનમાં નુકસાન કરી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઈજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ અંગે એએસઆઈ ડી.સી. ગોહિલ તથા સ્ટાફે પિતા-પુત્ર સહિત ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાન-મસાલાના પૈસા બાબતે પિતા-પુત્ર ઉપર ચાર શખ્સોનો હુમલો
પૈસાની ઉઘરાણી કરતા દુકાન સંચાલક પિતા-પુત્રને પિતા-પુત્ર સહિતના ચાર શખ્સોએ માર માર્યો