ઉત્તર મધ્ય પ્રદેશમાં પૂરની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. ભારે વરસાદ બાદ 1,200 કરતા વધારે ગામ પૂરથી પ્રભાવિત થયા છે. ભારે વરસાદ બાદ ગ્વાલિયર-ચંબલ ક્ષેત્ર પૂરની લપેટમાં આવ્યા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, પૂરની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક જરૂરી પગલા ભરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, એનડીઆરએફ, એસડીઆરએફ, સેના અને બીએસએફની મદદથી 240 ગામના 5,950 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઉપરાંત અન્ય 1,950 લોકોને બચાવવા માટે પ્રયત્ન ચાલુ છે અને વાયુ સેનાના હેલિકોપ્ટર્સ દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ક્વારી, સીપ, પાર્વતી નદીઓમાં પૂરના કારણે શ્યોપુરના 30 ગામ પ્રભાવિત છે. અત્યાર સુધીમાં 1,000 લોકોને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે જ્વાલાપુર, ભેરાવાડા, મેવાડા, જાટખેડાના ગામોમાં ફસાયેલા 1,000 લોકોને બહાર કાઢવા અભિયાન ચાલી રહ્યું છે. આ ઉપરાંત તેમણે પોતે સતત કેન્દ્રના સંપર્કમાં હોવાની માહિતી આપી હતી. સાથે જ ગૃહમંત્રી અને વડાપ્રધાને નદીઓના જળસ્તરમાં વૃદ્ધિના કારણે પૂરની સ્થિતિ અંગે જાણકારી લીધી હોવાનું અને તમામ સંભવિત મદદની ખાતરી આપી હોવાનું જણાવ્યું હતું.
મધ્યપ્રદેશમાં ભીષણ પૂર, 1200 ગામડાં પાણીમાં
આશરે 6,000થી વધુ લોકોને બચાવાયા : વડાપ્રધાન-ગૃહમંત્રીએ તમામ મદદની આપી ખાતરી