દરેક કેસમાં ફાલતુ અરજીઓના ઘોડાપૂરને લઈ સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. તુચ્છ અને ફાલતુ અરજીઓથી પરેશાન સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું હતું કે, સામૂહિક રીતે આપણે બધા ન્યાયિક પ્રણાલીની મજાક બનાવી રહ્યા છીએ. આ પ્રકારની અરજીઓના કારણે અમને એવા કેસ ઉકેલવામાં પરેશાની થઈ રહી છે જેનો ઉકેલ જરૂરી છે અને જે લોકો લાંબા સમયથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે. કોર્ટે જણાવ્યું કે, દરેક મુદ્દે અરજી કરવાના ચલણને હતોત્સાહિત કરવું પડશે. જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ હૃષિકેશ રોયની પીઠે જણાવ્યું કે, એક સામાન્ય માણસને અમારી ઝીણવટ કે મોટા કાયદાકીય સિદ્ધાંતોમાં કોઈ જ દિલચસ્પી નથી, જેના વિશે અમે સતત વાત કરીએ છીએ.
એક વાદી એ જાણવા માટે ઉત્સુક રહે છે કે, તેના કેસમાં દમ છે કે નહીં અને આ જાણવા માટે તે અનિશ્ચિત કાળ સુધી રાહ જોવા નથી ઈચ્છતો કે તે સાચો હતો કે નહીં. જો ચુકાદો આવતા 10 કે 20 વર્ષ લાગી જાય તો તે એ ચુકાદાનું શું કરશે. જસ્ટિસ કૌલે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે 45 વર્ષોથી દિવાની કેસો લંબિત હોવાનું જાણ્યું. અમે આ પ્રકારના જૂના કેસનો પણ નિવેડો લાવી રહ્યા છીએ. વ્યક્તિગત રીતે હું જૂના કેસ બહાર લાવવા પ્રયત્ન કરી રહ્યો છું. પીઠે કહ્યું હતું કે, જો સુપ્રીમ કોર્ટની ઉપર કોઈ કોર્ટ હોત તો કદાચ દરેક કેસમાં અમારા આદેશની વિરૂદ્ધ પણ અરજી થતી. આપણે ક્યાંક તો અટકવું પડશે.