અફઘાનિસ્તાનની વાયુસેનાએ મંગળવારે તાલિબાન આતંકવાદીઓના ઠેકાણા પર બોમ્બમારો કર્યો હતો. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તાલિબાન આતંકવાદીઓનો ગઢ ગણાતા કંદહારના દાંડ જિલ્લામાં આતંકવાદીઓના ઠેકાણા પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં કેટલાક તાલિબાન આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે અને ઘણા આતંકીઓ ઘાયલ થયા છે.
અફઘાન એરફોર્સે એર સ્ટ્રાઈકનો વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં આતંકવાદીઓનું સ્થળ તોડી પાડવામાં આવ્યું હતું અને જોરદાર વિસ્ફોટ થયો હતો. અગાઉ, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ છેલ્લા કેટલાક મહિનાઓથી તાલિબાન અને અફઘાન દળો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને પગલે તાલિબાન સામે રાષ્ટ્રીય સ્તરે એકજૂટ થવા અને તાલિબાન વિરુદ્ધ એકત્રીકરણ અભિયાનને ટેકો આપવા વિનંતી કરી છે.