વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર અમરજીત સિંહાએ રાજીનામું (Amarjeet Sinha Resigns) આપ્યું છે. અમરજીત સિન્હા બિહાર કેડરના 1983 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) ના અધિકારી છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તેમને વડાપ્રધાનના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ સામાજિક ક્ષેત્રને લગતા પ્રોજેક્ટ સંભાળતા હતા. તેમનો કાર્યકાળ બે વર્ષનો હતો.
અમરજીત સિંહાના રાજીનામાની હજી સુધી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી ,પરતું વડાપ્રધાન કાર્યાલયના સૂત્રોના આધારે માહિતી આપવામાં આવી રહી છે.તાજેતરના મહિનાઓમાં પીએમઓમાંથી રાજીનામું આપનાર તેઓ બીજા વરિષ્ઠ અધિકારી છે. આ વર્ષે વડાપ્રધાન કાર્યાલયમાંથી આ બીજું રાજીનામું (Amarjeet Sinha Resigns) છે. આ પહેલા માર્ચ મહિનામાં વડાપ્રધાન મોદીના મુખ્ય સચિવ પી.કે સિન્હાએ પણ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
વર્ષ 2019 માં ગ્રામીણ વિકાસ મંત્રાલયના સચિવના પદ પરથી અમરજીત સિંહા નિવૃત્ત થયા હતા. ત્રણ દાયકાની પોતાની કારકિર્દીમાં, તેમણે શિક્ષણ મંત્રાલય અને પંચાયતી રાજમાં અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા. આ સાથે, તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન અને મનરેગા જેવી મહત્વપૂર્ણ યોજનાઓનો પણ ભાગ રહ્યા છે.