જામનગર શહેરના રામેશ્વરનગર ચોક વિસ્તારમાં સાંજના સમયે યુવાન ઉપર નજીવી બાબતનો ખાર રાખી પાંચ શખ્સોએ છરી વડે હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી હતી. જામનગરના ચાંદીબજાર વિસતારમાંથી પસાર થતાં યુવાન ઉપર છોઢ વર્ષ અગાઉ બાઇક ચલાવવા બાબતે થયેલાં ઝઘડાનો ખાર રાખી એક શખ્સે છરી ઝિંકી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના રામેશ્વરનગરમાં મંદિર પાસે રહેતાં રામશી સવદાસભાઇ આંબલિયા (ઉ.વ.40) નામનો યુવાન આજે સાંજના સમયે રામેશ્વરનગર ચોકમાંથી પસાર થતો હતો તે દરમ્યાન અજાણ્યા બે શખ્સો બાઇક પર પસાર થતાં રામશીએ આમ બાઇક ન ચલાવાય તેમ કહેતાં બંન્ને શખ્સોએ ‘ગાડી કેમ ચલાવાય તે શિખવાડું તું અહીં જ રહેજે’ ત્યારબાદ થોડી વાર પછી બાઇક પર ત્રણ શખ્સો આવ્યાં હતાં અને તને પતાવી દેવો છે તેવી ધમકી આપી એક શખ્સે છરી વડે હુમલો કર્યો હતો અને પતાવી દેવાની ગર્ભીત ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલ યુવાનને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા બનાવની જાણ થતાં હેકો. જે.એચ.મકવાણા તથા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને પાંચ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી અને ઝડપી લેવાં ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો બનાવ જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતો તેજપાલસિંહ રણજીતસિંહ જેઠવા (ઉ.વ.30) નામનો યુવાન શુક્રવારે સાંજના સમયે ચાંદીબજાર વિસ્તારમાંથી પસાર થતો હતો તે દરમ્યાન યુવરાજસિંહ મોહબ્બતસિંહ જાડેજા નામના શખ્સે તેજપાલસિંહને આંતરીને દોઢ વર્ષ પૂર્વે ગાડી ચલાવવા બાબતે થયેલાં ઝઘડાનો ખાર રાખીને છરીનો ધા ઝિંકયો હતો. બાદમાં તેજપાલસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં પીએસઆઇ જે.આર.કરોતરા તથા સ્ટાફએ યુવરાજસિંહ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.
જામનગરના રામેશ્વરનગરમાં યુવાન ઉપર છરી વડે હુમલો
યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો : પોલીસે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધ્યો: ચાંદીબજારમાં જૂના ઝઘડાનો ખાર રાખી યુવાનને છરી ઝિંકી