તા.૧લી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલ ‘સુશાસન ના પાંચ વર્ષ’ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લામા પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધીના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનુ આયોજન હાથ ધરાયુ છે.
જે અંતર્ગત જામનગર કલેકટર ડો.સૌરભ પારઘીના વડપણ હેઠળ જામનગર જિલ્લામા ઉજવણી કાર્યક્રમના બીજા દિવસે એટલે કે તા.૦૨/૦૮/૨૦૨૧ ના રોજ ‘સંવેદના દિવસ’ની ઉજવણી કરવામા આવશે. જેમાં ‘સંવેદના દિવસ’ કાર્યક્રમની જિલ્લા કક્ષાની ઉજવણી આણદાબાવા સેવા સંસ્થાન જામનગર ખાતે યોજાશે તેમજ ટાઉનહોલ જામનગર, ધુતારપર, મોટા ગરેડિયા, સિદસર, જામ દુધઈ, વોડીસાંગ, ખાયડી(નવી પીપર), સિક્કા, જામજોધપુર, કાલાવડ, ધ્રોલ તથા તાલુકા-નગરપાલિકા કક્ષાએ સવારે ૧૦:૦૦ કલાકે આ કાર્યક્રમ યોજાશે.
જે કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના વિવિધ સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમો તેમજ કોવિડમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને એજ્યુકેશન કિટનુ વિતરણ કરાશે. રાજ્ય કક્ષાએથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યોજાનારા વર્ચ્યુઅલ કાર્યક્રમનું પણ ઉપરોક્ત તમામ સ્થળોએથી જીવંત પ્રસારણ કરાશે.