ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહેતા આદિવાસી દંપતી વચ્ચે અવાર-નવાર ઝઘડો થતો હોય જેથી તેની તરૂણી પુત્રીએ કંટાળીને ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. કાલાવડમાં કૈલાશનગર વિસ્તારમાં રહેતી યુવતીએ કમરના દુ:ખાવાથી કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ધ્રોલ તાલુકાના સોયલ ગામમાં રહેતા યુવાનનું હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતું.
અપમૃત્યુના જુદા જુદા બનાવોમાં પ્રથમ બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લતીપર ગામના વાડી વિસ્તારમાં રહેતા અને ખેતમજૂરી કરતા આદિવાસી રમેશ નારાયણભાઈ નામના યુવાન અને તેની પત્ની વચ્ચે અવાર-નવાર બોલાચાલી અને ઝઘડા થતાં હતાં. આ ઝઘડાનું માઠું લાગી આવતા દંપતીની પુત્રી માયાબેન (ઉ.વ.17) નામની તરૂણીએ ગત તા.9 ના રોજ વહેલીસવારના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હેકો કે.ડી. કામરીયા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, કાલાવડ ગામમાં કૈલાશનગર વિસ્તારમાં રહેતી આરતીબેન મેરુભાઈ કીલાણિયા (ઉ.વ.21) નામની યુવતીને માથાનો અને કમરનો દુ:ખાવો થતો હોય તેથી જિંદગીથી કંટાળીને બુધવારે સાંજના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે રાજુ મેરુ કીલાણિયા દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, ધ્રોલ તાલુકાના સોયલ ગામમાં રહેતા દેવા ચના ઝાપડા (ઉ.વ.45) નામના ભરવાડ યુવાનને બુધવારે રાત્રિના સમયે તેના ઘરે છાતીમાં દુ:ખાવો થવાથી ઉલ્ટી થતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગે મૃતકના ભાઈ સુરેશ દ્વારા જાણ કરાતા હેકો કે.ડી.કામરીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.