જામનગર મહાપાલિકાના પદાધિકારીઓ તેમજ જામનગર શહેર ભાજપ સંગઠનના પદાધિકારીઓએ ગઇકાલે ગાંધીનગરમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત સમયે રાજ્ય સરકારના પ્રતિનિત્વ કરતાં જામનગરના બંને મંત્રીઓ આર.સી. ફળદુ અને હકુભા જાડેજા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. નવનિયુક્તિ બાદ કોરોનાના કારણે લાંબા સમયથી મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત થઇ શકી ન હોય, જામનગરના પદાધિકારીઓએ ગઇકાલે આ મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન જામનગર શહેરના વિકાસ કામો અને ભવિષ્યની જરૂરીયાતો અંગે પણ ઔપચારિક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
જામ્યુકોના પદાધિકારીઓ દ્વારા શહેરના પ્રશ્ર્નો અને વિકાસ કામો અંગેનું એક સૂચિપત્ર મુખ્યમંત્રીને આપ્યું હતું. આ પત્ર અંગે મુખ્યમંત્રીએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. બીજીતરફ જામનગર શહેર ભાજપના પ્રમુખ ડો. વિમલ કગથરાએ જામનગરની જી.જી. હોસ્પિટલના સીટી સ્કેન મશીનની સમસ્યા અંગે રાજ્યના ઉપમુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિનભાઇ પટેલને રજૂઆત કરી હતી. જુના સીટી સ્કેન મશીનની જગ્યાએ નવુ અદ્યતન મશીન ફાળવવા માટે ભારપૂર્વક રજુઆત કરવામાં આવતાં ઉપમુખ્યમંત્રીએ તાબડ-તોબ રજૂઆત સ્વિકારી જામનગરને ટૂંકસમયમાં નવુ અદ્યતન સીટી સ્કેન મશીન ફાળવવાની ખાત્રી આપી હતી. આ શુભેચ્છા મુલાકાતમાં જામ્યુકોના મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપન પરમાર, સ્ટે. ચેરમેન મનિષ કટારીયા, સત્તાપક્ષના નેતા કુસુમબેન પંડયા, દંડક કેતન ગોસરાણી, ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, સંગઠન પ્રભારી અભયભાઇ ચૌહાણ જોડાયા હતાં.