જામનગર જિલ્લાના મેઘપર ગામના પાટિયા નજીકથી પસાર થતા ખાનગી કંપનીના મેનેજરની ઇનોવા કારને ચાર શખ્સોએ આંતરીને કારમાંથી ઉતારી પતાવી દેવાની ધમકી આપી બળજબરી પૂર્વક અપહરણ કરી લઇ ગયા હતા અને માનસિક ત્રાસ આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી અપહરણકારોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બનાવ અંગેની વિગત મુજબ વાડીનાર સ્થિત નયારા એનર્જી કંપનીના મેનેજર તરીકે ફરજ બજાવતા અને જામનગરમાં સરૂ સેકશન રોડ પર આવેલા ગુરૂકૃપા હાઇટ્સમાં રહેતા પવનકુમાર મનીન્દરકુમાર શર્મા નામના યુવાન ગત તા.15ના ગુરૂવારે સાંજના સમયે તેની ઇનોવા કારમાં જામનગર તરફ આવતા હતા ત્યારે મેઘપર ગામના પાટિયા પાસે જીજે23સીઇ 7777 નંબરની ક્રેટા કારના ચાલકે ઇનોવાને આંતરી હતી અને તેમાંથી રણજીતસિંહ ઉર્ફે રામસિંહ ઉર્ફે રમેશસિંહ કલુભા જાડેજા અને ત્રણ અજાણ્યા સહિતના ચાર શખ્સોએ કારમાંથી ઉતરીને પવનકુમારને તેની કારમાંથી બળજબરીથી ઉતારી પતાવી દેવાની તેમજ ટાટિયા ભાંગી નાખવાની ધમકી આપી ક્રેટા કારમાં બેસાડી નવા પ્રોજેક્ટમાં ટેકનીક ઇન્ડીયા લિમિટેડ નામની કંપનીમાં પાંચ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે અપહરણ કરી લઇ ગયા હતાં અને માનસિક પરેશાન કરી મૂક્યા હતાં.
ત્યારબાદ મેનેજરને છોડી મૂક્યા હતા અને મેનેજરને ફોન ઉપર પાંચ કરોડનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે અવાર-નવાર ધમકીઓ આપી હતી. પાંચ કરોડના કોન્ટ્રાક્ટ માટે મળતી ધમકીઓથી ત્રસ્ત પવનકુમારે આ અંગે મેઘપર પોલીસ સ્ટેશનમાં રણજીતસિંહ ઉર્ફે રામસિંહ ઉર્ફે રમેશસિંહ કલુભા જાડેજા અને ત્રણ અજાણ્યા સહિતના ચાર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ કે.આર.સિસોદીયા તથા સ્ટાફે અપહરણકર્તાઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.