ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂ-જુગારની બદી સામે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા કડક હાથે કામ કરવાની સૂચના અન્વયે અત્રે કાર્યરત સર્વેલન્સ ટીમમાં અહીંના ઈન્ચાર્જ પી.આઈ. પી.બી. ઝાલા તથા સ્ટાફ દ્વારા ગઈકાલે રવિવારે ખંભાળિયા વિસ્તારમાં સધન પેટ્રોલિંગ કામગીરી કરવામાં આવી હતી.
આ અંતર્ગત ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે મોટા પાયે જુગારનો અખાડો ચાલતો હોવાની ચોક્કસ બાતમી સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા તથા વિરેન્દ્રસિંહ જાડેજાને મળતા સ્ટાફ દ્વારા ભાડથર ગામની મંજલા વાડી વિસ્તારમાં રહેતા દુલા ભોજાભાઇ રૂડાચ નામના એક શખ્સની વાડીમાં રવિવારે સાંજે દરોડો પાડવામાં આવ્યો હતો.
ઉપરોક્ત દ્વારા પોતાની વાડીના રહેણાંક મકાનમાં અંગત કાયદા માટે નાલ ઉઘરાવીને, ભાગીદારીમાં ચલાવાતા જુગારના અખાડા પર પોલીસે દરોડો પાડી, આ સ્થળે જુગાર રમી રહેલા ભાડથર ગામના પુંજા વરજાંગ ભાન (ઉ.વ. 30), શક્તિનગર વિસ્તારમાં રહેતા દુલા સામરા લુણા (ઉ.વ. 39), માંડણ માણસુર રૂડાચ (ઉ.વ. 40), પોરબંદર ખાતે રહેતા હરભમ સામત મોઢવાડિયા (ઉ.વ. 56), પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા ભીનીબેન વાલજીભાઈ હરજીભાઈ જોશી (ઉ.વ. 52), ભાણવડ ખાતે રહેતા રામીબેન છગનભાઈ કાંબરીયા (ઉ.વ. 43) અને ખંભાળિયાની સોસાયટીમાં રહેતા મનિષાબેન ઉર્ફે આરતી ધર્મેશભાઈ હિંડોચા (ઉ. વ. 30) એમના સાત પત્તાપ્રેમીને ઝડપી લીધા હતા.
પકડાયેલા આ ખેલાડીઓ પાસેથી પોલીસે રૂપિયા એક લાખ સતાવન હજાર બસો રોકડા તથા રૂપિયા 11,500ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા બે લાખની કિંમતની એક મોટરકાર મળી કુલ રૂપિયા 3,68,700 નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો. આ દરોડા દરમિયાન વાડી માલિક દુલા ભોજાભાઇ રૂડાચ પોલીસને હાથ ન લાગતા તેને હાલ ફરાર ગણી, આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી અહીંના ઈન્ચાર્જ પી.આઈ. પી.બી. ઝાલા, પી.એસ.આઈ. એમ.જે. સાગઠીયા સાથે સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, દિવ્યરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, જેઠાભાઈ પરમાર, પ્રદિપસિંહ જાડેજા તથા યોગરાજસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.
ખંભાળિયાના ભાડથર ગામે ધમધમતા જુગારના અખાડા પર પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા દરોડો
ત્રણ મહિલાઓ સહિત સાત ઝડપાયા : રૂ. 3.69 લાખનો મુદ્દામાલ કબજે: મુખ્ય આરોપી ફરાર