જામનગરમાં આજે બપોર બાદ વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન વચ્ચે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ભારે પવનને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતાં. તો કેટલાંક વિસ્તારોમાં કાચા મકાનોના નળિયા તથા પતરા પણ ઉડયા હતાં. ભારે પવનના કારણે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ જવા પામી હતી. આજે જામનગરમાં શહેરીજનોએ મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોયું હતું.
જામનગરમાં બપોરે 3:30 વાગ્યા આસપાસ વાતાવરણમાં પલ્ટો આવતા ભારે પવન સાથે આવેલા વરસાદે તબાહી મચાવી હતી. જામનગરમાં વાતાવરણનાં પલ્ટા સાથે ઘટાટોપ વાદળો છવાયા હતાં. ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. માત્ર થોડા સમયમાં જ મેઘરાજાના રોદ્ર સ્વરૂપથી શહેરીજનો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતાં. જામનગરમાં ભારે પવન સાથે શરૂ થયેલા વરસાદથી શહેરના અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતાં. ભારે પવન સાથેના વરસાદના આગમનના કારણે જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ફોન રણકતા થયા હતાં. ફાયર શાખામાં 25 થી વધુ સ્થળોએ વૃક્ષો પડવાની ફરિયાદ નોંધાઈ હતી. વૃક્ષો ધરાશાયી થતા માર્ગ વ્યવહાર પણ ખોરવાયો હતો.
આ ઉપરાંત ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. તેમજ ભારે પવનના કારણે વાહનો પણ પડી ગયા હતાં. વૃક્ષો નીચે વાહનો દબાઈ જવાના પણ અનેક બનાવો બન્યા હતાં. લોકો મુશ્કેલીમાં મુકાયા હતાં અને ભારે નુકસાની પહોંચી હતી.
શહેરમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાને પગલે ફાયર શાખા દોડતુ થયું હતું. શહેરમાં વિવિધ સ્થળોએ ધરાશાયી થયેલા વૃક્ષો હટાવવા ફાયર વિભાગની ટીમે કામે લાગી હતી અને વૃક્ષોને રસ્તા પરથી હટાવી માર્ગો ખુલ્લા કરવા કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરમાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ: અનેક સ્થળોએ નુકસાનીના દ્રશ્યો
શહેરમાં 25 થી વધુ સ્થળોએ વૃક્ષ ધરાશાયી થવાના બનાવો : ભારે પવનના કારણે મકાનોના પતરા ઉડયા