જામનગર શહેરમાં સાત રસ્તા રોડ પર મેલડી માતાજીના મંદિરની બાજુમાં રહેતા યુવકે તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગરના ધરારનગર 1 વિસ્તારમાં રહેતા યુવાને તેના ઘરે દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં સાત રસ્તા નજીક મેલડી માતાજીના મંદિર પાસે રહેતા આકાશ ભૂપત બામરોલિયા (ઉ.વ.20) નામના યુવકે શુક્રવારે સાંજના સમયે તેના ઘરે કોઇ અગમ્યકારણોસર દુપટા વડે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. આ અંગેની મૃતકના માતા નીતાબેન દ્વારા જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના ધરારનગર 1 માં વૈશાલીનગર શેરી નં.1 માં રહેતા રાજુ પ્રવિણભાઈ જાદવ (ઉ.વ.33) નામના યુવાને શુક્રવારે સવારના સમયે તેના ઘરે પતરાના ટેકામાં લોખંડની એંગલ પર પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકના ભાઈ સંદીપ દ્વારા જાણ કરાતા હેકો જે.બી. ઝાલા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરમાં 24 કલાકમાં બે યુવાનોની આત્મહત્યા
સાત રસ્તા પર રહેતા યુવકની ગળેફાંસો ખાઈ આત્મહત્યા : ધરારનગરમાં યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી


