અમદાવાદના આંતરરાષ્ટ્રીય હવાઇ મથકે એક અનક્લેઇમ્ડ ઓટોમોબાઈલ પાર્ટસનો કાર્ગોમાં સોનુ છૂપાવીને ઘુસાડવાનો પ્રયાસ થયો હોવાની જાણ થતા તેની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં સોનાનો જથ્થો મળી આવતા 32 કિલોના આ ક્ધસાઈનમેન્ટમાંથી હવે કસ્ટમની કાર્ગો કચેરીમાંથી જ 7 કિલોના ઓટો પાર્ટસની ચોરી થયાનો ખુલાસો થયો છે અને તેમાં રૂા. 3.50 કરોડનું સોનુ ચોરાયું હોવાની જાણ અમદાવાદ પોલીસને કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કસ્ટમ વિભાગે અમદાવાદ પોલીસને આપેલી ‘અરજી’ મુજબ દુબઈની ઓટો પાર્ટસના 32 કિલોનું ક્ધસાઈનમેન્ટ આવ્યુ હતું પણ તે માટે કોઇએ ક્લેઇમ કર્યો ન હતો. બાદમાં આ ઓટો પાર્ટસની અંદર સોનુ છુપાવાયેલું હોવાની બાતમી મળતા જ તેની તપાસ કરવામાં આવી હતી અને આ પાર્ટસમાં કરોડોનું સોનુ હોવાનું જાહેર થતા તપાસ શરુ કરાઇ હતી. આ અંગે કાર્ગો કચેરીના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા કોઈ વ્યક્તિ તેની કારમાં આ કાર્ગો પાર્સલ મૂકી રહ્યા છે અને તે આરામથી રવાના થયા છે.
સમગ્ર પાર્ટસમાંથી 7 કિલો ઓટોપાર્ટ્સ ચોરવા પાછળની પણ ગણતરી અંગે તપાસ કરવામાં આવી રહી છે. કુલ રૂા.3.50 કરોડનું સોનું આ રીતે ચોરવામાં આવ્યું છે અને પાર્સલ અસ્તવ્યસ્ત હાલતમાં મળ્યુ છે. જો કે હજુ સુધી કસ્ટમ વિભાગે તેની વિધિવત ફરિયાદ નોંધાવી નથી અને આ દિશામાં વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


