જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલથી મેઘરાજાની તોફાની બેટીંગ ચાલુ છે. આજે પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સઇદેવળિયા, મોરઝર, શેઢાખાઇ, ગુંદા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા. તેમજ નદીનાળાઓમાં પણ પુર આવ્યા હતા.
આ ઉપરાંત જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોરમાં પણ આજે બપોરથી મેઘરાજાની તોફાની બેટીંગ જોવા મળી હતી. બે દિવસથી વરસી રહેલા વરસાદને પરિણામે નદીઓ બેકાંઠે થઇ હતી. ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાય હતી.