જામનગરના ચાંદીબજાર વિસ્તારમાં બે તસ્કરો ચોરાઉ દાગીના વેચવા આવતા એલસીબીની ટીમે સોના-ચાંદીના દાગીના અને રોકડ સાથે ઝડપી લઇ પુછપરછ હાથ ધરતાં બંને તસ્કરોએ એક ડઝન જેટલી ચોરી કર્યાની કેફિયત આપી હતી જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં એલસીબી દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ચાંદી બજાર વિસ્તારમાં બે શખ્સોને ચોરાઉ દાગીના વેચવા આવ્યા હોવાની ફિરોઝ દલ અને રઘુવિરસિંહ પરમારને બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સુચનાથી એલસીબી પીઆઇ એસ.એસ.નિનામા કાલાવડ નાકા બહાર રહેતો સિદ્દિક ઉર્ફે ઘેટો સલીમભાઇ મેમણ અને નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતો સફિક ઉર્ફે દંતો અજીજભાઇ મેમણને પકડી લીધા હતા. બંનેની તલાશી લેતા તેઓ પાસેથી ચોરાઉ મનાતા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ વગેરે મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન બંને છેલ્લા દોઢેક વર્ષના સમયગાળા દરમિયાન જામનગર શહેરના જુદા-જુદા નવ વિસ્તારોમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના વગેરેની ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ ઉપરાંત મેઘપરમાં ભરાતી ગુજરી બજારમાંથી પણ વેપારીઓની રોકડ રકમની ચોરી કરી લીધાની અને ત્રણ મહિના પહેલા ધ્રોલમાં એક રેકડીમાંથી રોકડની ચોરી કર્યાની કબુલાત આપી છે. જ્યારે જામનગરમાં મહાલક્ષ્મી ચોક અને દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં તાજેતરમાં બે દુકાનોમાં થયેલી ચોરીમાં બંનેનો હાથ હોવાનું પણ સામે આવ્યું છે. તસ્કર બેલડીની પૂછપરછમાં કુલ એક ડઝન જેટલી ચોરીનો ભેદ ખુલ્યા છે. જે બંને પાસેથી વધુ ચોરીનો મુદ્દામાલ કઢાવવા માટે રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાંથી ચોરાઉ દાગીના સાથે બે તસ્કરો ઝડપાયા
એલસીબીએ ચાંદીબજારમાંથી દબોચ્યા : એક ડઝન જેટલી ચોરીની કેફિયત