જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં રહેતી તરૂણીએ તેણીના ઘરની નબળી આર્થિક પરિસ્થિતિ અને પિતાની માનસિક બીમારીથી કંટાળીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં રહેતાં અજીતસિંહ જોરુભા જાડેજા નામના આધેડની પુત્રી કૃપાબા જાડેજા (ઉ.વ.16) નામની તરૂણીએ ગુરૂવારે બપોરના સમયે તેણીના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની હરદીપસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન તરૂણીના પિતા માનસિક બીમાર હતાં અને કોઇ કામ ધંધો કરતા હોવાથી ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હતી. જેના કારણે ઘરનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતી હતી. આ પરિસ્થિતિથી કંટાળીને તરૂણીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હોવાનું પોલીસ તપાસ દરમિયાન ખુલ્યું હતું.
નબળી આર્થિક સ્થિતિ અને પિતાની બીમારીથી કંટાળી તરૂણ પુત્રીની આત્મહત્યા
માનસિક બીમાર પિતા બેકાર : ઘરની નબળી આર્થિક પરિસ્થિતિ બન્યું તરૂણીના મોતનું કારણ