ખંભાળિયા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના જુદા-જુદા વિસ્તારોમાં ઝંડાઓ લગાવવા માટે નગરપાલિકાના વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની બાબતે ભારે ચકચાર જગાવી છે.
આ સમગ્ર ચકચારી પ્રકરણમાં જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા શહેરમાં ગઈકાલે ભાજપના કારોબારી બેઠક હોય, પાર્ટીના કાર્યકરો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં પક્ષના ઝંડા લગાવવામાં આવી રહ્યા હતા. આ માટે ખંભાળિયા નગરપાલિકાના ઈલેક્ટ્રીક વિભાગના એક વાહનનો ઉપયોગ કરવામાં આવતો હોવા બાબતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. નગરપાલિકાના આ વાહનમાં પાલિકાના કર્મચારીઓનો પણ સહકાર લેવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું છે. આ મુદ્દે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા નોટીસ આપી, ખુલાસો માગવામાં પણ આવ્યું હોવાનું જાણવા મળેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયા નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી છે અને વિપક્ષના નામે ખાસ કાંઈ અસ્તિત્વ નથી. આ વચ્ચે ભાજપના ઝંડા લગાવવા માટે નગરપાલિકાના કર્મચારીઓ તથા વાહનો ઉપયોગ થયાની વહેતી થયેલી બાબત ટોક ઓફ ટાઉન બની રહી છે.
ખંભાળિયા નગરપાલિકાના વાહન મારફતે શહેરમાં ભાજપના ઝંડા લગાવાયા !!
ચીફ ઓફિસર દ્વારા ખુલાસો મંગાયો