પ્રધાનમંત્રી અન્ન યોજના અન્વયે રાશન કાર્ડ ધારકોને પુરતા પ્રમાણમાં અનાજનો જથ્થો મળતો ન હોય, માલ વિતરણની ગેરરીતિ અટકાવવા વોર્ડ નં. 1ના કોર્પોરેટર એડવોકેટ નુરમામદ પલેજા દ્વારા અન્ન અને નાગરિક પુરવઠાના કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાને પત્ર લખી રજૂઆત કરી છે.
જેમાં જણાવ્યું છે કે, જામનગર શહેર અને જિલ્લામાં પ્રધાનમંત્રી અન્ન યોજના મુજબનો રાશનનો જથ્થો મળતો ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. શહેરના વોર્ડ નં. 1ના બેડેશ્ર્વર, ગ્રાહક ભંડાર સહિતના અન્ય રેશનકાર્ડ દુકાનદારોના 400 જેટલા રાશનકાર્ડ ધારકોને આ યોજના હેઠળનો રાશનનો જથ્થો આજ દિવસ સુધી વિતરણ કરવામાં આવ્યો નથી. વોર્ડ નં. 1ના બેડેશ્ર્વર, જોડિયા ભુંગા, ધરારનગર સહિતના વિસ્તારોને રાશનકાર્ડ ધારકોને વારંવાર ધક્કા ખવડાવી આ જથ્થાનો વિતરણ કરવામાં આવ્યું નથી. આથી આ અંગે તપાસ કરી રાશનકાર્ડ ધારકોને જથ્થો ન પહોંચાડવા બદલ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ રાશનકાર્ડ પર થતાં માલ વિતરણની દુકાનો ઉપર સીસીટીવી કેમેરા રાખવા માંગણી કરવામાં આવી છે.